અભ્યાસથી ગણિતશાસ્ત્રી અને પૂર્વ સૈનિક પરિવારની નિશાકુમારીએ સાયકલિંગ, દોડ અને પર્વતારોહણ જેવા સાહસના ક્ષેત્રમાં કારકિર્દી કંડારી રહી છે અને તેની સાથે એ બેટી બચાવો, બેટી પઢાઓ જેવા સામાજિક ધ્યેયો ના પ્રચારનું સમાજ ઉપયોગી અભિયાન ચલાવી રહી છે.
નિશાકુમારીના જીવનનું લક્ષ્ય વિશ્વના સૌથી ઉંચા એવરેસ્ટ પર્વતને સર કરવાનું છે અને આ ધ્યેયને સિદ્ધ કરવા એ વર્ષના ઘણાં મહિના બરફથી છવાયેલા વિસ્તારોમાં સાયકલિંગ, દોડ અને વિવિધ શિખરોના આરોહણ દ્વારા શરીરને એવરેસ્ટ આરોહણ માટેના પડકારોને અનુકૂળ બનાવવા અને મનોબળ દ્રઢ કરવાની કવાયત સતત કરે છે.
આ દિશાના પ્રયાસ રૂપે તેણે તાજેતરમાં બરફથી છવાયેલા મનાલીમાં આઈસ સ્કીઈંગનું ઉપયોગી પ્રશિક્ષણ અટલ બિહારી વાજપેયી પર્વતારોહણ અને સંલગ્ન રમત સંસ્થાનમાં લીધું છે.આ ૧૫ દિવસના કોર્સ થી તેનો આત્મ વિશ્વાસ વધ્યો છે.
સ્કીઈંગ એ બરફના ઢોળાવ વાળા પહાડો પર રમાતી રમત છે જેમાં રમતવીર લાંબા પાટિયાની પાવડીઓ બંને પગમાં પહેરી અને બંને હાથમાં બે લાકડીઓ રાખી, તેની મદદથી શરીર સમતુલા જાળવીને બરફમાં સરકે છે. પ્રવાસીઓ પણ બરફાળ મોસમમાં આ સાહસિક રમતનો રોમાંચ હિમાલયન ક્ષેત્રમાં માણે છે.હિન્દી ચલચિત્રોના ઘણાં યાદગાર ગીતોના દૃશ્યાંકનમાં આ રમત જોવા મળે છે અને યુરોપના દેશોમાં આ રમત ખૂબ પ્રચલિત છે.
સ્કીઈંગની એક્સરસાઇઝ બર્ફીલા શિખરોના આરોહણની જરૂરી પૂર્વ તૈયારીઓમાં ઉપયોગી બને છે એવી લાગણી વ્યક્ત કરતાં આ યુવતીએ જણાવ્યું કે હિમાલયના બરફથી છવાયેલા શિખરના આરોહણમાં ડગલેને પગલે સ્થિરતા અને સમતુલા જાળવવી અનિવાર્ય છે જે કેળવવામાં અને મનોબળની દૃઢતામાં સ્કીઈંગ ખૂબ મદદરૂપ બને છે.
એવરેસ્ટ આરોહણ ખૂબ પરિશ્રમ,સાહસિકતા, ધૈર્ય માંગી લે છે અને તેની સાથે આ ખૂબ ખર્ચાળ વ્યાયામ છે. મધ્યમવર્ગી પરિવારની આ યુવતી એવરેસ્ટ આરોહણના તેના સંકલ્પને સાકાર કરવામાં સમાજ અને સંસ્થાઓ આર્થિક પીઠબળ પૂરું પાડશે તેવી અપેક્ષા રાખે છે.