ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ભરૂચ પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરવા જઈ રહી છે. હજુ સુધી આ મામલે જીલ્લા પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી જોકે સંલગ્ન પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરી ખુલ્લી રાખવામાં આવતા જિલ્લા પોલીસતંત્રમાં મોટી હલંચલન સંકેત મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના બે પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટનાનો ભરૂચ એસપી ડો. લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે જેમની સામે હવે ગુનો દાખલ કરાયો છે.
નોકરી કોની કરતા હતા? પોલીસ કે બુટલેગરની?
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ ટીમના કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ પોલીસકર્મીઓએ સ્ટેટ મોનીટરીંગ સેલ અને ભરૂચ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ અને કોન્સ્ટેબલની જાસૂસી કરી હતી. બુટલેગરોનો દારૂ ન પકડાય તે માટે પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓના લોકેશન બુટલેગરને જણાવી દેવાતા હતા.
આ અધિકારીઓ ઉપર વિશેષ વોચ રાખવામાં આવતી હતી
સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાય અને ભરૂચ SP તરીકે ડો. લીના પાટીલના પોસ્ટિંગ બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. આ અધિકારીઓના કાર્યક્ષેત્રમાં દારૂનો વેપલો ચલાવવો લોઢાના ચણા ચાવવા સમાન હોવાનો કુખ્યાત બુટલેગરોને અહેસાસ હતો જેમણે પૈસાના જોરે પોલીસ પાસે જ પોલીસની જાસૂસી કરાવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ઉપરાંત ભરૂચ Crime Branch PI ફિલ્ડમાં હોય ત્યારે તેમના મોબાઈલ લોકેશન બુટલેગરોને પહોચાડી દેવામાં આવતા હતા. આ કારણે સક્રિય હોવા છતાં પોલીસ કેટલાક બુટલેગરોનું દારૂના વેપલાનું નેટવર્ક નેસ્તનાબૂદ કરી શકી નહીં.
કઈ કંપનીમાંથી કેટલા લોકેશન મેળવી જાસૂસી કરી
વોડાફોન – 530
જીઓ – 215
વોડાફોન – 85
જાસૂસોની સંપત્તિની તપાસ થશે
જાસૂસી કાંડમાં બુટલેગર પરેશ ઉર્ફે ચકો અને નયન ઉર્ફે બોબડાના બંધ પટ્ટાનો ખેલ ઉજાગર થયો
ભરૂચ પોલીસમાં ઝડપાયેલ બંને કોન્સ્ટેબલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નશાના વેપલાને ધમધમાવતા બુટલેગર પરેશ અને નયન ને જે તે અધિકારીઓના મોબાઈલ લોકેશન સહિતની પળેપળની માહિતી સચોટ રીતે પહોંચાડવાની નાપાક હરકત કરતા હતા, જે બાદ આખરે તેઓનો ભાંડો ફૂટી જતા આખરે સમગ્ર મામલે પોલીસે ખુદ પોલીસ સામે ફરિયાદ દાખલ કરવાની નોબત આવી છે, ત્યારે આખરે હવે આ તપાસમાં અન્ય પણ કંઈક ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.
માત્ર પોલીસ જ નહીં અન્ય લોકોની પણ જાસૂસી કરાઈ હોવાની આશંકા..!!
ભરૂચ પોલીસ વિભાગના ઇતિહાસમાં પ્રથમવાર સામે આવેલ જાસૂસી કાંડમાં સ્ટેટ મોનીટરીગ સેલના કર્મીઓ સાથે સાથે બુટલેગરો અન્ય લોકોની પણ માહિતી રાખતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં પણ પોતાની પ્રેમિકાથી લઈ ધંધામાં અડચણરૂપી બનતા સમાજના જાગૃત નાગરિકો, બાતમીદારો, પત્રકારો, સહિતના અધિકારીઓ અથવા નેતાઓ સુધીની જાસૂસી કરાઈ હોવાનું સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદથી ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની છે.
પોલીસ તપાસમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીને જોડવામાં આવ્યા છે જયારે તપાસ નબળી ન રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક જાતે તપાસની દેખરેખ રાખી રહ્યા છે. સૂત્રો અનુસાર અશોક સોલંકી અને મયૂર ખુમાણની સંપત્તિઓની પણ તપાસ કરવામાં આવશે. જે બાદ આખરે ફરિયાદ નોંધાઈ છે.