જન્મથી જ જમણા હાથની ખોડ ધરાવતી 18 વર્ષની યુવતી ઉપર દેશનું પહેલું સફળ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ જન્મજાત દુર્લભ બીમારી જન્મજાત હેન્ડ એપ્લાસિયાથી પીડાતી હતી, મુંબઈની હોસ્પિટલમાં 13 કલાક લાંબી જટિલ શસ્ત્રક્રિયા ચાલી જન્મજાત જમણા હાથની ખોડની દુર્લભ બીમારીથી પીડિત ભરૂચની સામિયા મન્સૂરી 18 વર્ષની થતા જ નવા હાથની ભેટ મળી છે. દેશમાં એક હાથના પ્રત્યારોપણની પેહલી સફળ સર્જરી સામિયા ઉપર કરાઈ છે અને 13 કલાકના જટિલ ઓપરેશન બાદ 24 દિવસે તેને મુંબઈની હોસ્પિટલમાંથી કેક કાપીને રજા અપાઈ છે.
ભરૂચની 18 વર્ષીય સામિયા મન્સૂરી પર મુંબઈમાં સફળ હાથ પ્રત્યારોપણ થતાં જીવનની નવી આશા જાગી છે. દેશમાં સંભવિત રીતે સૌપ્રથમ આ પ્રકારની જટિલ અને મુશ્કેલ શસ્ત્રક્રિયા સફળતાથી પાર પડાઈ છે. હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક, હેન્ડ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ માઈક્રોસર્જન ડો. નીલેશ સતભાઈના નેતૃત્વમાં અન્ય એક ડોક્ટરની ટીમે આ સર્જરી પાર પાડી છે. આ સર્જરી 13 કલાક ચાલી હતી.
સામિયા હાલમાં બેચલર્સ ઈન કમ્પ્યુટર એપ્લિકેશન કરી રહી છે. તેના જમણા હાથમાં જન્મજાત વિકૃતિ હતી. માતા- પિતાએ અનેક ડોક્ટરોને બતાવ્યું પરંતુ કોઈ ફાયદો નહીં થયો. હાથ પ્રત્યારોપણ જરૂરી હોવાથી આખરે મુંબઈમાં પરેલ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેની પર 10 જાન્યુઆરીના રોજ સર્જરી કરાઈ હતી.
દેશની પહેલા એક હાથ ટ્રાન્સપ્લાન્ટ અંગે ડો. સતભાઈએ જણાવ્યું હતું કે, આ સર્જરીની જટિલતા સમજવા અને સર્જરી માટે ઉચિત સંમતિ લેવા દર્દીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. સામિયાના પરિવારે 2 વર્ષ પૂર્વે મારી પહેલી વાર સલાહ લીધી હતી. ઈલાજની સર્વ જટિલતાઓ જાણ્યા પછી તેઓ પ્રત્યારોપણ માટે તૈયાર થયા હતા. અમે સામિયાના 18 મા જન્મદિવસ પર ટ્રાન્સપ્લાન્ટ માટે તેની નોંધણી કરી હતી.
સામિયાનો હાથ સંપૂર્ણ વિકસિત થયો નહોતો. તેના બાંયોની કલાઈ અને હાથ ગંભીર રીતે કમજોર હતા. તેની પાસે એકદમ નાની આંગળીઓ હતી. વિકૃતિને લીધે તેના જમણા હાથની બધી રક્તવાહિનીઓ, માંસપેશીઓ, હાડકાં અને તંત્રિકાઓ સામાન્ય કરતાં નાની હતી. આથી પ્રત્યારોપણ બહુ મુશ્કેલ હતું. અમે કોણીના સર્વ ઉપલબ્ધ કાર્યોને સંરક્ષિત રાખ્યા, પરંતુ કોણીના સ્તરથી ઉપરની રક્તવાહિનીઓ અને તંત્રિકાઓને તેના આકાર સાથે સુમેળ કરાવવા માટે મરામત કરી. હાથને કામ કરવા માટે લગભગ 9 થી 12 મહિના લાગશે. સામિયાની તબિયતમાં સુધારણા આવતાં રજા અપાઈ છે.
ભરૂચની સામિયાની સફળ સર્જરી અન્ય જન્મજાત હાથની ખોડ ધરાવતા યુવાનો માટે અકસીર સાબિત થશે
ભરૂચની સામિયા મન્સૂરી ભારતમાં એક હાથ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર પહેલી વ્યક્તિ બની ગઈ છે. સામીયાના કેસ પરથી જેમને જન્મજાત દોષ હોય તેઓ પણ હાથોનું પ્રત્યારોપણ કરાવી શકે છે, એવી નવી આશા જન્મી છે. સામિયાની પ્રેરક વાર્તા દાનદાતાઓ અને પ્રાપ્તિકર્તાઓને હાથ દાન કરવા અને જીવનને બહેતર બનાવવા માટે પ્રોત્સાહિત કરશે, એમ મુખ્ય કાર્યકારી અધિકારી ડો. વિવેર તલૌલીકરે જણાવ્યું હતું.
ટ્રેન અકસ્માતમાં બે હાથ ગુમાવનાર મોનીકા મોરેનાનું પણ 2 હાથનું પહેલું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું સામિયાની માતા શહેનાઝ મન્સુરીએ જણાવ્યું હતું કે, ઘાટકોપરમાં ટ્રેન અકસ્માતમાં હાથ ગુમાવ્યા પછી સફળ પ્રત્યારોપણના મોનિકા મોરેના કેસ વિશે વાંચીને તેઓ મુંબઈમાં ગ્લોબલ હોસ્પિટલ્સમાં આવ્યા હતા. ડોક્ટરોની સલાહથી સામિયા 18 વર્ષની થતાં નોંધણી કરાવી હતી. ઓપરેશન થિયેટરમાં સામિયાને લઈ જવાતી હતી ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું, કારણ કે બંને હાથનું તેનું સપનું સાકાર થવાનું હતું. ઓપરેશન સફળ રહ્યા બાદ 3 ફેબ્રુઆરીએ રજા આપતા હોસ્પિટલ ખાતે સામીયાએ કેક કાપી હતી. જ્યાં મોનીકા મોરે પણ હાજર રહી સામીયા સાથે હાથ મિલાવી અભિનંદ આપ્યા હતા.
18 વર્ષની થતા જ જન્મદિને ઇન્દોરની 52 વર્ષીય બ્રેઇન ડેડ મહિલાના જમણા હાથની મળી ભેટ સમિયા આસિફ મન્સૂરી 18 વર્ષની થાય અને હાથનું ઓપરેશન થઈ શકે તે માટે કૅલેન્ડર જોઇ દિવસો પસાર કરી રહી હતી. ગત 10 જાન્યુઆરીએ, તે 18 વર્ષની થઈ ગઈ અને ચમત્કારિક રીતે, ઈન્દોરની 52 વર્ષીય બ્રેઈન-ડેડ મહિલાના પરિવારે સામિયાનો ઉપયોગ કરી શકે તેવા હાથનું દાન કર્યું. ડો. સાતભાઈએ જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમ આવી અંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા માટે સમિયાને ભરૂચથી અહીંની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જે દાતાનું અંગ (હાથ) મળ્યું તે દર્દી સામિયાના હાથના રંગ સાથે મેળ ખાતું હતું. જોકે તેનું કદ થોડું મોટું હતું. કોણીની નીચે હાડકાંને જોડવાનું અને ઉપલા હાથની રક્તવાહિનીઓ અને ચેતાઓમાં ફેરફાર કરાયા હતા.