ભરૂચ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરી અંકલેશ્વર તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીઓની ઘટનાઓમાં સતત વધારો છેલ્લા કેટલાક સમયથી સામે આવ્યો હતો, આખે આખુ ટ્રાન્સફોર્મરની ચોરી કરી તેમાંથી કોપરનું વેચાણ કરતા તત્વોના કારનામાઓથી વીજ કંપની સહિત લોકોની ઊંઘ હરામ બની હતી, જે બાદ વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ફરિયાદ બાદથી જ પોલીસે પણ મામલે તપાસના ધમધમાટ તેજ કર્યા હતા.
સમગ્ર મામલે ભરૂચ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી બાતમી મળી હતી કે ડીપી ચોરીનો શંકાસ્પદ આરોપી સુરત ખાતે રહે છે, ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ મામલે સુરત ખાતે દોડી જઈ શંકાસ્પદ આરોપી નરપતસિંહ ચારણને તેના ઘરેથી પકડી લઈ ભરૂચ ક્રાઇમ બ્રાંચ કચેરી ખાતે લાવી મામલે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરતા તે ભાંગી પડ્યો હતો અને વર્ષ 2022 માં તેણે અંકલેશ્વરના અલગ -અલગ વિસ્તારોમાંથી 23 જેટલા ચોરીના વીજ ટ્રાન્સફોર્મર મેળવી સુરત ખાતે ભંગારમાં વેચ્યા હોવાનું જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાંચની ટીમે મામલે આરોપી નરપત સિંહ દયાલસિંહ ચારણ રહે, પુણા ગામ સુરત નાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમાં ગયેલ કોપર કોયલમાંથી ગાળીને બનાવેલ કોપર પ્લેટ નંગ -3 આશરે 215 કિલો કિંમત રૂ.1,50,500 તથા બે મોબાઈલ મળી કુલ 1,56,000 નો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી વીજ ટ્રાન્સફોર્મર ચોરીના 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામા સફળતા પ્રાપ્ત કરી હતી.