પાવીજેતપુર તાલુકાની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સીટી ગોધરા સંલગ્ન ચંદ્રમૌલી ફાઉન્ડેશન સંચાલિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં કલારાણી ખાતે વાર્ષિકોત્સવ ઉમંગની રંગે ચંગે ઉજવણી વિદ્યાર્થીઓ ઘ્વારા કરવામાં આવી હતી. જેમાં સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જેતપુર પાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, આદિવાસી જૈન સંત રાજેન્દ્ર મહારાજ, વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળના પ્રમુખ અનિરુદ્ધભાઈ પટેલ, કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા, શોભનાબેન રાઠવા, જિલ્લા મહામંત્રી મેહુલભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા સહિત વિવિધ રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વાર્ષિકોત્સવ ઉમંગને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ મેળવીને આ વિસ્તારનું અને કોલેજનું ગૌરવ વધારી રહ્યા છે જેમાં કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા સહીત કોલેજના ટ્રસ્ટી મંડળ,માર્ગદર્શકોની મહેનતને ફાળે જાય છે.આદિવાસી વનવગડા વિસ્તારમાં કોલેજ શરુ કરી વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડવા ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટી ભરતસિંહજી ગોહિલ અને મેનેજીંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવાએ સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સફળતા મેળવેલ તથા કોલેજ કક્ષાએ પ્રથમ ૧૦ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને અતિથિઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરી આવેલ તમામ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આમ કલારાણી સ્થિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
ફૈજાન ખત્રી કલારાણી,છોટાઉદેપુર