ગુજરાતમાં પેપર ફૂટવાની અનેક ઘટનાઓ ભૂતકાળના સમયમાં સામે આવી હતી, તો તાજેતરમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પણ વડોદરા ખાતેથી ફૂટ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જે બાદ સમગ્ર મામલે ગુજરાત એ.ટી.એસ સહિતની એજન્સી ઓએ તપાસના ધમધમાટ શરૂ કરી દેશના અલગ-અલગ રાજ્યોમાંથી અનેક આરોપીઓની ધરપકડ કરી હતી.
ગુજરાતમાં પેપર લીક કાંડ બાદ રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે, ખાસ કરી અવારનવાર પેપર ફૂટવાની ઘટનાને લઈ વિપક્ષી દળો દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરી સરકારને ઘેરી રહ્યા છે, તેવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજ્ય સરકારની પેપર લીક કાંડમાં નિષ્ફળતાઓ અને અવારનવાર રાજ્યમાં પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જતા હોવાની ઘટનાઓને વખોડી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રાણાની અધ્યક્ષતામાં કોંગ્રેસના અગ્રણીઓ આગેવાનો અને હોદ્દેદારો એ ઉપસ્થિત રહી પેપર લિક કાંડની ઘટનાના વિરોધમાં પોસ્ટરો લઈ સુત્રોચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.