નવા વાડજ કૃષ્ણનગર સોસાયટી પાસે આવેલા પાન પાર્લર પર ઉભા રહેલા આંગડીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી ૨૭ લાખના દાગીનાની ચિલઝડપ કરી ફરાર થઈ ગયેલા બંને આરોપી સીસીટીવીમાં કેદ થયા છે. વાડજ પોલીસે મંગળવારે મોડી રાત્રે ગુનો દાખલ કરી બંને આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ આંગડીયા પેઢીની ઓફિસ સામે આવેલા પાન પાર્લર પર મસાલો ખાવાના ચક્કરમાં કર્મચારીઓએ દાગીના ભરેલો થેલો ગૂમાવ્યો હતો. વાડજ પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા માટે સઘન તપાસ હાથ ધરી છે.
ઘાંચીની પોળ ખાતે આવેલા અમૃતભાઈ કાંતિલાલ એન્ડ કંપની નામની આંગડીયા પેઢીની બીજી ઓફિસ નવા વાડજની કૃષ્ણનગર સોસાયટી પાસે આવેલા રત્નાકર કોમ્પ્લેક્સમાં આવેલી છે. આ પેઢીમાં કામ કરતા કર્મચારીઓ દેવાભાઈ મસાભાઈ ઠાકોર અને કનુભાઈ ચમનભાઈ પ્રજાપતિ બંને જણા પેઢીની ઘાંચીની પોળ ખાતે આવેલી ઓફિસથી પાર્સલ લઈને નવા વાડજ ખાતેની ઓફિસે સવારે દસ વાગ્યે એક્ટિવા પર પહોંચે છે. આ ઓફિસે આવ્યા બાદ ભીમજીપુરા અને અખબારનગર ખાતે જે ગ્રાહકોના પાર્સલ પહોંચાડવાનું કામે કરે છે.આ કામ પત્યા બાદ વાડજ ખાતેની ઓફિસે પાર્સલનું બૂકીંગ લઈ,જે પાર્સલ આવ્યા હોય તે ઘાંચીની પોળ ખાતેની હેડ ઓફિસે રાત્રે લઈને બંને કર્મચારી જતા હતા.
મંગળવારે રાત્રે પણ સોનાના દાગીના અને બે કિલો ચાંદી ભરેલા પાર્સલ લઈને બંને કર્મચારી ઘાંચીની પોળ ખાતે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ઓફિસની સામે આવેલા પાન પાર્લર પાસે દેવાભાઈએ મસાલો ખાવો હોવાથી એક્ટિવા ઉભું રાખ્યું હતું. પાન પાર્લર પર વસ્તુ લેવા માટે કનુભાઈ ગયા અને દેવાભાઈ એક્ટિવા પાસે ઉભા હતા. તે સમયે અચાનક બાઈક પર આવેલા ૨૦ થી ૨૫ વર્ષના આશરાના બે ઈસમો એક્ટિવા પર આગળ મુકેલો થેલો લઈને ભીમજીપુરા તરફ ભાગ્યા હતા. દેવાભાઈ કઈ વીચારે કે બોલે તે પહેલા બંને શખ્સો અલોપ થઈ જતા બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે દેવા ઠાકોરની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બાઈક ચાલકે કાળા કપડાં અને મોં પર બૂકાની બાંધ્યાનું તેમજ પાછળ બેેઠેલા સફેદ કલર જેવું ટોપીવાળું જેકેટ પહેર્યું હતું. દાગીનાની ચિલઝડપના બનાવ અંગે વાડજ પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં બંને આરોપી અર્જૂન આશ્રમ તરફ જતા જોવા મળ્યા હતા.