વિશ્વભરમાં ૦૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે રાજપીપલા જનરલ હોસ્પિટલ (જુની) ખાતે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની પ્રેરક ઉપસ્થતિમાં ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ-અમદાવાદ અને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે એન.પી.સી.ડી.સી.એસ (એન.સી.ડી) પ્રોગ્રામ અંતર્ગત યોજાયેલા બે દિવસીય નિ:શુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ “કેન્સર સ્ક્રિનિંગ” નિદાન કેમ્પનો અંદાજીત ૩૦૦ કરતા વધુ બહેનોએ લ્હાવો લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, પારિવારિક જવાબદારીઓની પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત બની નાની-નાની સમસ્યાઓને નજરઅંદાજ ન કરતા નજીકના આરોગ્ય કેન્દ્રનો લાભ લેવો જોઈએ. આજે વિજ્ઞાને પણ વિકાસની હરણફાળ ભરી છે, તેથી જ કેન્સર જેવી ગંભીર બિમારીઓની પણ સારવાર શક્ય બની છે. વધુમાં ધારાસભ્યશ્રીએ કેન્સર નિદાન માટેના સંજીવની રથનું નિરિક્ષણ કરીને ઉપસ્થિત સૌ મહિલાઓને કેન્સર ડિટેક્શનનો લાભ લઈને અન્યને પણ બહોળા પ્રમાણમાં જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.
આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે પણ કેન્સરના જોખમો વિશે જાગૃત કરી તેના લક્ષણોના નિવારણ અને સારવાર વિશેની વિસ્તૃત માહિતી પુરી પાડીને આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો. કેમ્પમાં જરૂરિયાતવાળી બહેનોએ ગર્ભાશય, સ્તન કેન્સર સ્ક્રિનિંગ, નિદાન, માર્ગદર્શન સહિત મેમોગ્રાફી ટેસ્ટ અને HPA-DNA તપાસણીનો લાભ લઈને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
દીપક જગતાપ, રાજપીપલા