વડોદરાની શી ટીમ હંમેશા મહિલાઓની સુરક્ષા માટે તૈયાર રહે છે. તહેવારોમાં ખાસ આયોજન સાથે શી ટીમના કર્મચારીઓ કામ રહે છે તો વળી 365 દિવસ મહિલાઓની સુરક્ષા કરવા ખડેપગે હોય છે. ત્યારે હાલમાં જ વડોદરાની એક યુવતીએ સોશિયલ મિડીયા પર વિડીયો શેર કર્યો હતો જેની નોંધ પોલીસ અને શી ટીમે લીધી હતી અને ગણતરીના દિવસોમાં ત્રણ રોમિયોને ઝડપી પાડી પગલા લીધા હતા.
વડોદરાની એક યુવતી ઓટો રિક્ષામાં સવારી કરી રહી હતી ત્યારે ત્રણ રોમીયો બાઇક લઇને લાંબો સમય સુધી તેનો પીછો કરતા હતા. યુવતીએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો અને સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો. બાદમાં પોલીસ કમિશનર અને શી ટીમે આ રોમિયોને ઝડપી પાડવા કામગીરી આદરી હતી અને અને માત્ર ત્રણ જ દિવસમાં વિડીયોમાં દેખાતા રોમિયોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ભોગ બનેલી યુવતીએ વડોદરા પોલીસ અને શી ટીમનો આભાર માન્યો હતો અને આ આભાર વ્યક્ત કરતો વિડીયો વડોદરા પોલીસે શેર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે શેર કરેલા વિડીયોમાં યુવતી પોલીસનો આભાર માની રહી છે અને અન્ય મહિલાઓને પણ પોલીસની મદદ લેવા માટે અનુરોધ કરી રહી છે. આમ અનેક વખત શી ટીમ શાનદાર કાર્યવાહી કરતી નજરે પડે છે.