કઠલાલ તાલુકાના ચારણનિકોલ ગામે રહેતા જશુભાઈ કાનજીભાઈ વાઘેલાના વિધવા ભાભી મધુબેન કેટલાય સમયથી પગના ભાગે સોજો આવતા રોજણ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે. ગઇકાલે મધુબેન તથા તેમના મોટા દીકરા પંકજભાઈ (ઉ.વ.32) અને પુત્ર પ્રતીક એમ ત્રણેય લોકો મોટરસાયકલ પર મધુબેનની દવા લેવા માટે કપડવંજના બેટાવાળા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સુલતાનપુરા ગામની સીમમાં સામેથી પુરપાટે
આવેલ પીકઅપ ડાલાના ચાલકે પંકજભાઈના મોટરસાયકલને અથડાવ્યું હતું. જેના કારણે ચાલક પંકજભાઈ સહિત પાછળ બેઠેલા તેઓની માતા મધુબેન અને પુત્ર પ્રતિક રોડ ઉપર પટકાયા હતા. જેથી તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ ઘવાયેલા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પંકજભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પંકજભાઈનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના કાકા જશુભાઈ કાનજીભાઈ વાઘેલાની ફરીયાદના આધારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ