ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામે ગઇકાલે એક મકાનમાં આગ લાગવાની ઘટના બનતા નવ જેટલી વ્યક્તિઓ દાઝી જતા તમામને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
વધુમાં મળતી વિગતો મુજબ આ પૈકી એક બાળકી અને એક મહિલાની સ્થિતિ ગંભીર હોઇ તેમને સુરત સારવાર માટે લઇ જવાયા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગઇકાલે નવીતરસાલીના મહંમદઅઝરુદ્દિન મલેક નામના રહીશના મકાનમાં રાતના આઠ વાગ્યાના અરસામાં આગે દેખા દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધુ હતું. અગ્નિ શામક ટેન્કરોએ પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી વિગતો મુજબ આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આગ લાગવાની આ ઘટનામાં નવ જેટલી વ્યક્તિઓ દાઝી જવા પામી હતી, જેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં અસરગ્રસ્ત મકાનમાલિકને મોટું આર્થિક નુકશાન થયું હતું. ઘટના સંદર્ભે ગુલામનબી મહંમદ મલેક રહે.બહેરા બાપુ ફળિયું નવીતરસાલી તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ રાજપારડી પોલીસમાં જાણ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ