વર્ષ ૨૦૨૨ માં નડીયાદ આરોગ્ય તંત્રની ૫ આરબીએસકે ટીમ દ્વારા ૧.૨૯ હજાર બાળકોના આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર માટે મદદ કરવામાં આવી છે. નડીયાદ આરબીએસકે ટીમે ટીબી, કન્જેનિટલ હાર્ટ ડીસીઝ, કિડની, વિકાસલંબી વિલંબ અને ક્લબફુટ જેવી ગંભીર બીમારીઓથી પીડાતા બાળકોના ઘરની મુલાકાત, માતા-પિતાનું કાઉન્સેલિંગથી લઈને હોસ્પીટલમાં ઓપરેશન અને ત્યારપછીના ફોલો-અપ સુધી તમામ સ્તરે મદદ કરી છે.
નડિયાદ તાલુકાના ૧.૫૦ હજાર બાળકોમાંથી આરબીએસકે ટીમ દ્વારા વર્ષ ૨૦૨૨ દરમિયાન અંદાજીત ૧.૨૯ હજાર બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં હ્રદયના ૨૮, કિડનીના ૧૪, કેન્સરના ૧ સહિત કુલ ૪૩ બાળકોને સુપર સ્પેશિયલ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત ખોડખાપણ વાળા ૧૮૮, ખામીવાળા ૯૬૯૪ બાળકો, રોગવાળા ૮૪૪૬ બાળકો, વૃદ્ધિ વિકાસલક્ષી વિલંબ વાળા ૫૨૫ બાળકો અને સંદર્ભ સેવા હેઠળ ૧૮૦૦ બાળકોની તપાસ કરી સારવાર કરવામાં મદદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કુપોષિત ૮૨૪ બાળકો પૈકી ૩૦૦ બાળકોને વિનામૂલ્યે બાલ સંજીવની કેન્દ્ર અને બાલ સેવા કેન્દ્ર ખાતે સંસ્થાકીય સારવાર આપવામાં આવી હતી. જેના પરીણામે બાળકોના વજનમાં નોંધપાત્ર વધારો થયેલ છે. બાલ સંજીવની કેન્દ્ર ખાતે બાળકોને ૧૪ દિવસ સુધી રાખવામાં આવે છે અને તેને પોષણલક્ષી આહાર આપવામાં આવે છે. બાળક સાથે રહેનાર વાલીને પ્રતિદિન રૂ.૧૦૦ લેખે ૧૪ દિવસના રૂ.૧૪૦૦ આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકને બાલ સંજીવની કેન્દ્ર સુધી લેવા મૂકવા માટે આરબીએસકે વ્હિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
વિશેષમાં, આરબીએસકે ટીમની મદદથી નડિયાદ તાલુકાના મોહળેલ ગામની ૧૭ વર્ષીય યુવતી શિલ્પા સોલંકી ટીબી મુક્ત બની છે અને આજ ગામની બાળકી દેવાંશી હિતેનભાઈ તલપડા ક્લબફુટ જેવા ગંભીર રોગથી સફળ પ્લાસ્ટર દ્વારા સાજી થઈ શકી છે. અન્ય બે કેસમાં નડિયાદ શહેરના સુશાંતસિંહ યોગેશભાઈ સોલંકી નામનો પાંચ મહિનાનો બાળક અને નડિયાદ શહેરના યશ્વી અજયભાઈ પરમાર નામની બાળકીની કંજેનિટલ હાર્ટ ડિસીઝની સારવાર કરવામા આવી છે. અત્યારે ઉપરોક્ત તમામ વ્યક્તિઓ સંપુર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત છે. બાળરોગ સંજીવની સમી ભારત સરકારની આરબીએસકે યોજના એટલે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કાર્યરત આ યોજનામાં જન્મજાત બાળકો; આંગણવાડીના બાળકો; ૬ થી ૧૮ વર્ષના તમામ શાળાએ જતા તેમજ શાળામાં ન જતા બાળકો; અનાથ આશ્રમ શાળા કે કસ્તુરબા શાળાના બાળકોની ખોડખાપણ, ખામી, કુપોષણ, હૃદય, કિડની, કેન્સર, વિકાસલક્ષી વિલંબ તેમજ અન્ય એવા કોઈ પણ પ્રકારના રોગની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દમદાટ ફી વસુલતા પ્રાઈવેટ દવાખાનાઓમાં પોતાના બાળકની સારવાર કરવી એક સામાન્ય પરીવાર માટે ખુબ જ મુશ્કેલ હોય છે. ત્યારે આરબીએસકે અંતર્ગત મફત સારવાર થી આ બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. મધ્યમવર્ગીય પરીવારોને તેમના બાળકોની તબીબી સારવાર માટે જરૂરી પૈસા માટે કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર રહેતી નથી. સ્વાસ્થ્યની આવી સુલભ સુવિધાઓથી તેમના પુરા પરિવારની સુખાકારીમાં વધારો થાય છે.
નરેશ ગનવાણી : નડિયાદ