ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામના એક ઇસમને અમારા ફળિયામાં કેમ આંટાફેરા મારે છે એમ કહીને ગામના જ એક ઇસમે માર માર્યો હોવા બાબતે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે. વિગતો અનુસાર ઇન્દોર ગામના મનુભાઇ ખોડાભાઇ વસાવા ગતરોજ તેમના માસીને તેમના ગામ અટાલી ખાતે મુકવા મોટરસાયકલ લઇને નીકળ્યા હતા. મોટરસાયકલ બોટમાં મુકીને નદીના સામે કિનારે પહોંચ્યા બાદ તેમના માસીને તેમના ગામ મુકીને બોટમાં મોટરસાયકલ મુકીને પાછા તેઓ ઇન્દોર ગામે નદીના ઘાટ પર બપોરના સાડા બાર વાગ્યે ઉતર્યા હતા. તે સમયે નદીના ઘાટ ઉપર બોટમાં મજુરી કામ કરતા અને ગામના જમાઇ તરીકે રહેતા રાજેશભાઇ વસાવા આવ્યા હતા અને કહ્યુ હતુંકે અમારા ફળિયામાં વારંવાર કેમ આંટાફેરા મારે છે? અમારા ફળિયામાં તારે આવવાનું નહિ. એમ કહિને તે ઝપાઝપી કરીને ગાળો બોલીને ઢિકાપાટુનો માર મારવા લાગ્યો હતો,અને મનુભાઇ ઘેર જતા હતા ત્યારે રાજેશે ઉશ્કેરાઇ જઇને લાકડાના પાટિયાના સપાટા માર્યા હતા. ઇજાગ્રસ્ત મનુભાઇને સારવાર માટે ભરૂચ લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે મનુભાઇ વસાવા રહે.ગામ ઇન્દોર તા.ઝઘડિયા જિ.ભરૂચના એ રાજેશ વસાવા રહે.ઇન્દોરના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ