ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત જિલ્લાઓમાં ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટિ ઘટી હતી જેના કારણે વાહન ચાલકોમાં ભારે મુશકેલી જોવા મળી હતી.અમદાવાદમાં ગઈકાલે સાંજના સમયથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો.
મોડી રાત્રે ધોધમાર વરસાદે વાતાવરણ ઠંડુગાર બનાવી દીધું હતું. તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જગ્યાએ કમોસમી વરસાદ તેમજ કરા પડ્યા હતા. ત્યારબાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારે આકાશમાં ધૂમમ્સ છવાઈ ગયું હતું. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધુમ્મસ છવાયુ હતું જેના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં આવેલા આ અણધાર્યા માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. ખેડુતોને ઘઉં, બટાટા, જીરું, રાયડા જેવા શિયાળુ પાકોને ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે. તો સાથે જ ચાલી રહેલા લગ્નગાળામાં પણ લગ્નની તારીખ નક્કી કરીને બેઠેલા લોકો પણ વરસાદી માહોલને કારણે મૂંજવણમાં મૂકાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ઉત્તર-પૂર્વ દિશાના પવન વચ્ચે ઠંડી પોણા 3 ડિગ્રી સુધી ઘટી હતી. જેના કારણે ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોનું તાપમાન 11.9 થી 13.7 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જેમાં 11.9 ડિગ્રી સાથે હિંમતનગર સૌથી ઠંડું શહેર રહ્યું હતું.