નીડર, લોકનિષ્ઠ અને પરિશ્રમી એવા મૂળ વડોદરાથી પત્રકારીત્વનો પથ પકડનાર સન્ની અબ્રાહમનું તાજેતરમાં દિલ્હી ખાતે નિધન થયુ હતું. સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટે તારીખ ૧ લી ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ બપોરે ૪.૦૦ કલાકે ધી ગર્વમેન્ટ સર્વન્ટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમીટેડ, સંસ્થા વસાહત, રાવપુરા ખાતે વડોદરાના પત્રકારો દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યુ છે.
સન્ની અબ્રાહમે વડોદરામાંથી બે દાયકા અગાઉ વિદાય લીધા બાદ હજી ગત તારીખ ૬ જાન્યુઆરીના રોજ વડોદરાના જૂના સાથી મિત્રોને વડોદરામાં મળવા આવ્યા હતા. બે દાયકા પૂર્વેના વડોદરા ઉપરાંત ગુજરાતના પત્રકારીત્વ, રાજકારણ, ઉદ્યોગક્ષેત્ર, શિક્ષણક્ષેત્રની વાતો પત્રકાર મિત્રોની સાથે વાગોળી હતી.
વડોદરાના વિવિધ અખબારોના તંત્રી, વરિષ્ઠ પત્રકારો, તસવીરકારો, નિવૃત્ત પત્રકારો જેમાં વિનોદભાઇ ભટ્ટ, દેવેશભાઇ ભટ્ટ, અનીલભાઇ દેવપુરકર, વિશ્વજીત પારેખ, અવિનાશભાઇ મણીયાર, ભરતભાઇ વ્યાસ, શશિકાન્તભાઇ વ્યાસ, જશુભાઇ પારેખ, વલ્લભભાઇ શાહ, હેમંતભાઇ રાવ, અરવિંદ પુરોહિત સાથે સન્ની અબ્રાહમે વ્યક્ત કરેલા વિચારોની આપ – લે કરીને જૂના સ્મરણો તાજા કર્યા હતા. પત્રકારત્વમાં માતબર પ્રદાન કરવાની સાથે વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓનું કલ્યાણ થાય તે પણ ચર્ચાનો સૂર હતો.
ન્યૂઝ એજન્સી યુએનઆઇમાં લાંબા સમય સુધી દેશ-વિદેશમાં સેવા આપ્યા બાદ નિવૃત્તી બાદ ડીજીટલ પ્લેટફોર્મ પર NetIndian વેબ પોર્ટલનો પણ આરંભ કર્યો હતો. વડોદરામાં જ તેઓએ શાળાનું શિક્ષણ મેળવ્યુ હતુ. બાદમાં કોલેજ કાળમાં અભ્યાસની સાથે સાથે એક અંગ્રેજી અખબારથી તેઓએ પત્રકારીત્વ કૂચનો આરંભ કર્યો હતો. તેમના પત્રકારત્વમાં સચ્ચાઈનો રણકો હતો. વૈશ્વિક સ્તરે તેઓ સતત અભ્યાસ કરતા અને પોતાનો અભિપ્રાય નીડરતાથી આપતા રહ્યા હતા.