ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી ડેપોનો વહીવટ છેલ્લા કેટલા સમયથી એસટી બસોની માફક ખખડધજ રહ્યો છે, મન ફાવે તે મુજબ ગામડાઓના રૂટો કાપી દેવામાં આવતા હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે, ઝઘડિયા એસટી ડેપોમાંથી દોડતી એસટી બસો પણ તદ્દન ખખડધજ હાલતમાં હોવા પછી પણ તેનું નિયમિત સમારકામ થતું ન હોવાનું જાણવા મળ્યું છે. ઝઘડિયા ડેપોની કેટલીક એસટી બસોને ધક્કા મારવાનો વારો આવે છે અથવા રોડ પર દોડાવાયેલી બસને કોઈ કારણોસર ચાલી શકે એમ ન હોય તો રૂટ કાપી ડેપોમાં લાવી મૂકી દેવામાં આવે છે, સમયસર અને યોગ્ય સમારકામ નહીં થતું હોવાના કારણે એસટીના મુસાફરો વારંવાર એસટી રસ્તામાં જ બંધ પડી જવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. મળતી વિગતો મુજબ આજરોજ પણ ઝઘડિયા મુખ્ય બજારમાં એક એસ.ટી બસ રસ્તા વચ્ચે જ બંધ પડી જતા મુસાફરોએ તથા વાહન ચાલકોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. એસટી ડેપોમાં ચલાવવા ખાતર જ બસો દોડાવવામાં આવતી હોવાનું એસટી ડેપોના સંચાલન પરથી ફલિત થઈ રહ્યું છે. લાંબા સમયથી રેગ્યુલર ચાલતા ઝઘડિયાથી કારંટા જેવા રૂટ પણ એસટી ડેપો સંચાલકો દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી બંધ કરી દેવામાં આવ્યા છે. એસટી સત્તાવાળાઓના આ મનસ્વી અને અણઘડ વહિવટના કારણે નિયમિત રાજપીપળા બોડેલી પાવાગઢ હાલોલ ગોધરા તરફ જતા ઝઘડિયા તાલુકાના મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર ઝઘડિયા ડેપોની એસટી બસો નિયમિત સમારકામના અભાવે ખોરંભે પડતા વિદ્યાર્થીઓ નોકરીયાતો તેમજ ધંધાર્થે એસટી બસ નો ઉપયોગ કરતા મુસાફરોને પડતી મુશ્કેલીઓ નું નિરાકરણ સત્વરે આવે તે ઇચ્છનીય છે. તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં જરુરી બસસેવાના અભાવે મુસાફરોએ નાછુટકે ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરવી પડતી હોવાની વાતો પણ સામે આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ