ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે વાડામાં બકરા ઘુસી જવાની બાબતે બે મહિલાઓ વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે રહેતી નોરતીબેન સુરેશભાઈ વસાવા નામની મહિલા તેમના ઘરે બકરા પણ રાખે છે. દરમિયાન ગત તા.૨૧ મીના રોજ નોરતીબેનના બકરા તેમના ઘરની બાજુમાં રહેતા પ્રેમિલાબેન વસાવાના વાડામાં ઘુસી ગયા હતા. જેથી પ્રેમિલાબેન નોરતીબેનને ગાળો બોલવા લાગ્યા હતા, અને કહેવા લાગ્યા હતાકે તમારાથી બકરા પલવાતા નથી તો શું કામ પાલવો છો. નોરતીબેને તેમને ગાળો બોલવાની ના પાડતા પ્રેમિલાબેન ઉશ્કેરાઇ ગયા હતા અને તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ ઝઘડા દરમિયાન પ્રેમિલાબેને નોરતીબેનને ધક્કો મારતા તે નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેમણે નોરતીબેનને પેટના ભાગે ત્રણચાર લાતો મારી દીધી હતી. ઉપરાંત જાંગના ભાગે લાકડીના બે સપાટા મારી દીધા હતા. ત્યારબાદ નોરતીબેનને પેટમાં દુખાવો થતાં સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજપિપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે નોરતીબેન સુરેશભાઇ વસાવા રહે.ગામ ડભાલ તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ પ્રેમિલાબેન રામસીંગ વસાવા રહે.ગામ ડભાલના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ