સુરતના વરાછા ઉમિયાધામ મંદિરની પાછળ આવેલા હીરાના કારખાનામાં પાંચ વર્ષથી નોકરી કરતો પોલીસીંગ વિભાગનો મેનેજર રૂ.40 લાખના હીરા લઈ ભીમ અગિયારસ અને રવિવારની બે દિવસની રજા બાદ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી.વરાછા પોલીસે ગતરોજ મેનેજરની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ગઢડાના જલાલપુર ગામના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ જે.બી.ડાયમંડ સર્કલ પાસે ત્રિકમનગર વિભાગ 1 ઘર નં.બી/18 માં રહેતા 36 વર્ષીય સુમિતભાઇ મુળજીભાઇ વઘાસીયા વરાછા ઉમિયાધામ મંદિરની પાછળ વી.ડી. ગ્લોબલ પ્રાઇવેટ લીમીટેડના નામે હીરાનું કારખાનું ધરાવે છે.તેમને ત્યાં જુદાજુદા વિભાગોમાં કામ કરતા 2000 કારીગરો પર દેખરેખ રાખવા માટે 50 મેનેજર કામ કરે છે.તે પૈકી પોલીસીંગ વિભાગમાં નિલેશ છગનભાઇ કૈલા છેલ્લા પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતો હતો. તમામ વિભાગોને રફ હીરા આપતા રાજેશભાઈ ઉર્ફે રાજુમામાએ નિલેશને ગત 10 જૂન 2022 ના રોજ હીરાના 346 પડીકા આપ્યા હતા.તે પૈકી 140 પડીકા તૈયાર હીરાના અને 206 પડીકા રફ હીરાના નિલેશે સાંજે જમા કરાવ્યા હતા.
11 મી ના રોજ ભીમ અગિયારસ અને 12 મી ના રોજ રવિવારને લીધે રજા હોય કારખાનું બે દિવસ બંધ રહ્યું હતું.13 મી એ કારખાનું શરૂ થયું હતું પણ નિલેશ કામ પર આવ્યો નહોતો.તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ હતો.બીજા દિવસે પણ તે નહીં આવતા તેણે જમા કરાવેલા તૈયાર હીરાના 140 પેકેટ ખોલીને જોયા તો તમામ ખાલી હતા. કારખાનાના સીસીટીવી ફૂટેજ ચકાસતા નિલેશ પ્રોસેસ માટે આપેલા હીરાના પડીકામાંથી કેટલાક પડીકા લઈ ખિસ્સામાં મૂકી બહાર વોશરૂમ તરફ જતો નજરે ચઢ્યો હતો. 140 પડીકામાં કુલ રૂ.40,02,680 ની મત્તાના હીરા હોય છેવટે સુમિતભાઈએ નિલેશ વિરુદ્ધ રૂ.40 લાખથી વધુની ઉચાપતની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાવી હતી.
દરમિયાન, વરાછા પોલીસે ગતરોજ મેનેજર નિલેશ છગનભાઇ કૈલા ( ઉ.વ.40, રહે.મકાન નં.સી/23, ભવાની કોમ્પેલક્ષ સોસાયટી, ભવાની મંદિર પાસે, પરેશભાઇ પરમારનાં મકાનમાં, કામરેજ, જી.સુરત. મુળ રહે.મેસ્વાણગામ, કરણી પ્લોટ, તા.કેશોદ, જી.જુનાગઢ ) ની ધરપકડ કરી હતી.