ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગામે ખેતરમાં કચરો સળગાવવાની બાબતે એક જ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થતાં બે ઇસમો સામે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ સુલતાનપુરા ગામે રહેતા કવલસિંહ જયેન્દ્રસિંહ રાઠોડે તેમના ખેતરમાં જમરૂખની બાગાયતી ખેતી કરેલ છે. ગત તા.૧૬ મીના રોજ કવલસિંહના કાકા મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ પિતરાઇ ભાઇ કુલદિપસિંહ રાઠોડ તેમના ખેતરમાં શેરડી કાપણીનો કચરો સળગાવતા હતા. ત્યારે કવલસિંહે તેમને કહ્યું હતું કે મારી જમરૂખી પર ફુલ આવેલા છે, તેમજ કેટલીક જમરૂખી પર ફળ પણ આવેલા છે. તેને નુકશાન ના થાય તેનું ધ્યાન રાખજો. આ સાંભળીને તે લોકો ગાળો બોલવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતાકે અમારું આવું જ ચાલશે, તારે ચોવટ કરવી નહિ. તું સુધરી જજે નહિ તો તારા ટાંટીયા તોડી નાંખીશ. શેરડીનો કચરો સળગાવવાથી આઠેક જેટલી જમરૂખીને આગની ઝાળ લાગી હતી. આને લઇને કવલસિંહને રુ.પાંચેક હજાર જેટલું નુકશાન થયું હતું. આ સંદર્ભે કવલસિંહ જયેન્દ્રસિંહ રાઠોડ રહે.ગામ સુલતાનપુરા તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ મહેન્દ્રસિંહ સાધનસિંહ રાઠોડ તેમજ કુલદિપસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ બન્ને રહે.ગામ સુલતાનપુરા તા.ઝઘડિયાના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ