ઉત્તરાખંડના હરિદ્વારમાં તંત્રએ ધ્વનિ પ્રદૂષણ કરનાર 7 મસ્જિદને દંડ ફટકાર્યો છે. પથરી વિસ્તારના અમુક ગામની મસ્જિદોને અજાન માટે લાગેલા લાઉડસ્પીકરોને મર્યાદિત અવાજમાં વગાડવાની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ લાઉડસ્પીકરનો અવાજ ઓછો ના હોવાના કારણે પથરી પોલીસ સ્ટેશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ પર એસડીએમએ 7 મસ્જિદોને 5 હજારનો દંડ ફટકાર્યો છે. બે મસ્જિદોને ધ્વનિ પ્રદૂષણ કરવા મુદ્દે ચેતવણી આપવામાં આવી છે. તંત્રની કાર્યવાહી પર મુસ્લિમ ધર્મગુરુ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
એસડીએમે જણાવ્યુ કે પથરી પોલીસ સ્ટેશન વિસ્તારના કટારપુર, ગુર્જર બસ્તી, ધનપુરા પદાર્થા, નસીરપુર કલાં અને ઈબ્રાહિમપુર કલાં જેવા ગામની મસ્જિદોમાં મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવાની ફરિયાદ મળી રહી હતી. સાથે જ અમુક મસ્જિદો પર પરવાનગી વિના લાઉડ સ્પીકર લગાડવામાં આવ્યા હતા, જે બાદ પથરી પોલીસ સ્ટેશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે ઘટના સ્થળે તપાસ કરી તો મસ્જિદોમાં નક્કી ધોરણોનું ઉલ્લંઘન થયેલુ જોવા મળ્યુ છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટના આધારે 7 મસ્જિદો પર પાંચ હજારનો દંડ અને બે મસ્જિદોને ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ બીજીવાર આવુ કર્યુ તો બમણો દંડ ફટકારવાની સાથે કેસ પણ નોંધવામાં આવશે.
ધ્વનિ પ્રદૂષણ કરી રહેલા મસ્જિદો પર તંત્રની કાર્યવાહીનો બીજા મસ્જિદ સંચાલક વિરોધ કરી રહ્યા છે. જ્વાલાપુર સ્થિત એક મસ્જિદના સંચાલકનું કહેવુ છે કે મસ્જિદોથી ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યુ નથી પરંતુ ગાડીઓ, મશીનો અને ડીજેથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. તંત્રએ પહેલા તે મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ મસ્જિદો પર દંડ ફટકારવો યોગ્ય નથી.
પથરી પોલીસ સ્ટેશન વિસ્તારના અમુક મંદિરો અને મસ્જિદોમાં જરૂરિયાત કરતા વધારે મોટા અવાજમાં અજાન અને આરતીઓ વગાડવાથી ત્રસ્ત ધનપુરાના બે લોકોએ વર્ષ 2022 માં હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે બંને ધાર્મિક સ્થળોમાં હોડ મચી ગઈ છે. જેનાથી સામાન્ય લોકોની શાંતિ ભંગ થઈ ગઈ છે. અરજી પર સુનાવણી બાદ ઉત્તરાખંડ હાઈકોર્ટે પરવાનગી વિના કોઈ પણ ધાર્મિક સ્થળે લાઉડસ્પીકર ના વગાડવા અને નક્કી ધોરણોની અંદર જ લાઉડસ્પીકર વગાડવાના આદેશ જારી કર્યા હતા. તંત્રનું કહેવુ છે કે હાઈકોર્ટના આદેશો હેઠળ જ કાર્યવાહી કરવામાં આવશે.