પાદરાના શંકરપાર્ક સોસાયટીમાં રહેતા મીનાક્ષીબેન હસમુખભાઈ શાહ ઉંમર વર્ષ 76 નાઓ બુધવારે વહેલી સવારના 9 કલાકે ઘરેથી પાદરા જૈન મંદિર, ચોકસી બજાર ખાતે આવેલ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ દર્શન કરી પરત ઘરે આવતા હતા તે દરમિયાન પાદરાની લિબર્ટી ટોકીઝની સામે આવેલ તેજલ સોસાયટી પાસે જવાના રસ્તા પર બે બાઈક પર બેસી 4 ગઠિયાઓ આવેલ હતા અને પૂર્વ યોજિત કાવતરું રચી દર્શન કરી ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ મહિલાને ઉભા રાખીને જણાવેલ કે હું પોલીસમાંથી છું આગળ એક બહેનનું ખૂન થયેલું છે.
તમે બંગડીઓ કાઢી નાખો તેમ કહેતા વૃદ્ધ મહિલાએ જણાવેલ કે મારું ઘર નજીક છે હું મારા ઘરે જઈને બંગડીઓ કાઢી નાખીશ ત્યારબાદ બીજા બે ગઠિયાઓ બાઈક લઈ આવી જેમાંથી એક ગઠિયો નીચે ઉતરી વૃદ્ધ મહિલાના હાથમાંથી પહેરેલી 4 માંથી 3 બંગડીઓ કાઢી લાવો હું તમને કાગળમાં વિટાડીને આપું છું તેમ જણાવી ઓરીજનલ સોનાની બંગડીઓ બદલી ખોટી બંગડીઓ વૃદ્ધ મહિલાને કાગળમાં વિટાડીને આપેલ ત્યારબાદ ગઠિયાઓ બે બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા.
પરંતુ તે સમય દરમિયાન વૃદ્ધ મહિલાને કોઈપણ પ્રકારનું ભાન નહીં હોવાનું જણાવ્યું હતું અને સાચી બંગડીઓ લઈ ખોટી બંગડીઓ વરગાડી નાસી ગયા હતા. ઉકત બનાવવાના પગલે પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન સોસાયટીના નાકે લોકટોળા ભેગા થયા હતા.