ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક એક હાઇવા ટ્રકના ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક ઇસમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના જાંબુડા ફળિયા ખાતે રહેતા જેરામભાઇ શરાદભાઇ વસાવા નામના આધેડ ગતરોજ તા.૧૬ મીના રોજ તેમના પૌત્ર સાથે મોટરસાયકલ લઇને રાજપારડી ચાર રસ્તા નજીક દુધ ડેરીમાં દુધ ભરવા ગયા હતા. તેઓ દુધ ભરીને રાજપારડીના ઝઘડિયા રોડ પર આવેલ એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવીને પાછા ફરતા હતા ત્યારે એક હાઇવા ટ્રકના ચાલકે આ મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક જેરામભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અને તેમના માથાના ઉપરના ભાગે હાઇવા ટ્રકનું વ્હિલ ચઢી ગયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ જેરામભાઇ વસાવાનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. અને તેમની સાથે જઇ રહેલ તેમના પૌત્ર ધર્મેશને પણ ઉજા થઇ હતી. અકસ્માત બાદ હાઇવા ચાલક તેનું વાહન લઇને નાશી છુટ્યો હતો, પરંતું ઘટના સ્થળ નજીક હાજર અન્ય ઇસમોએ અકસ્માત કરી નાશી ગયેલ હાઇવા ટ્રકનો નંબર નોંધી લીધો હતો. ઘટના સંદર્ભે મૃતકના પુત્ર મહેન્દ્ર જેરામભાઇ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયાનાએ અકસ્માત સર્જી નાશી ગયેલ હાઇવા ટ્રકના ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ધોરીમાર્ગ પર છાસવારે નાનામોટા અકસ્માત સર્જાતા રહે છે. ઘણા અકસ્માતો જીવલેણ પણ બનતા હોય છે. આ ધોરીમાર્ગ પર દોડતા ખનીજ વાહક વાહનો ઉપરાંત અન્ય ભારદારી વાહનો પૈકી ઘણા વાહનો નિયમોનો સરેઆમ ભંગ કરીને બેફામ રીતે દોડતા હોવાની વ્યાપક ફરિયાદો તાલુકાની જનતામાં લાંબા સમયથી ઉઠી રહી છે, ત્યારે તંત્ર બેફામ દોડતા વાહનો પ્રત્યે લાલ આંખ કરે તે જરુરી બન્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ