સાઉથ આફ્રીકામાં હાલમાં અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે વિજય સાથે શરુઆત કરી હતી. આજે બીજી મેચમાં પણ ભારતીય ટીમે 122 રનના માર્જીનથી મોટી જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમે ગ્રુપ ડીમાં ટોપ પર પહોંચી છે. આજે ભારત અને યુએઈ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતીને યુએઈની ટીમે બોલિંગ પંસદ કરી હતી.
પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 3 વિકેટના નુકશાન સાથે 219 રન બનાવ્યા હતા. 220 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી યુએઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 97 રન જ બનાવી શકી હતી.સાઉથ આફ્રીકા સામેની પ્રથમ મેચમાં પણ ભારતીય ટીમે જીત મેળવી હતી.
પ્રથમ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર શ્વેતાએ 49 બોલમાં 74 રન ફટકાર્યા હતા. આ મેચમાં તેણે 10 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. કેપ્ટન શેફાલી વર્માએ પણ 34 બોલમાં 78 રન બનાવી ભારતીય ટીમને મજબૂત સ્કોર ઉભો કરવામાં મદદ કરી હતી. રીચા ઘોષ 49 બનાવી આઉટ થઈ હતી. તે ફિફટી બનાવતા ચૂકી ગઈ હતી. આઈસીસી અંડર 19 મહિલા વર્લ્ડ કપની 41 મેચ સાઉથ આફ્રીકાના બેનોની અને પોચેફસ્ટ્રમના 4 ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 16 ટીમ વચ્ચેનો આ પ્રથમ આઈસીસી અંડર 19 મહિલા વર્લ્ડ કપ વર્ષ 2021માં શરુ થવાનો હતો, પણ કોરોના મહામારીને કારણે આ વર્ષે આ વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે.
આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રીકા, શ્રીલંકા, વેસ્ટઈન્ડીસ અને જિમ્બાબ્વે જેવા પૂર્ણ સદસ્ય દેશોની ટીમ સહિત આઈસીસીના પાંચ ક્ષેત્રો યુએઈ, રવાંડા, અમેરિકા, સ્કોર્ટલેન્ડ અને ઈન્ડોનેશિયાની ટીમ રમશે. ભારતની શેફાલી વર્મા સહિત તમામ ટીમની કેપ્ટને હાલમાં ટ્રોફી સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યા છે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં પોતાના ગ્રુપની ત્રણ ટીમો સામે 1 મેચ રમશે. 18 જાન્યુઆરીએ સ્કોટલેન્ટ અને ભારતની ટીમ વચ્ચે સાંજે 5.15 વાગ્યે મેચ શરુ થશે.