વડોદરામાં પોલીસે સરકારી કર્મચારીઓ પાસેથી વધુ વ્યાજ વસૂલતા વ્યાજખોર સામે મોટી કાર્યવાહી કરી છે. વડોદરા ગવર્મેન્ટ પ્રેસના કર્મચારીઓ પાસેથી નિયમ કરતા વધુ વ્યાજની વસૂલાત કરતા વ્યાજખોરની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આ અગાઉ ચાર વ્યાજખોરોની પાસામાં અટકાયત કરાઇ છે.શિયાબાગ બોરડી ફળિયામાં રહેતા રણજીત રાયસીંગભાઇ રાણા નિયમની વિરૃદ્ધ લોકોને વ્યાજે રૂપિયા આપતો હતો. એક જરરિયાતમંદને તેણે ચાર લાખ આપી તેની સામે 10.76 લાખ લીધા હતા. બીજા જરોરિયાતને રૂપિયા આપી તેની પાસેથી 8 લાખની માંગણી કરતો હતો. અન્ય એક શખ્સને એક લાખ આપી તેની સામે પાંચ લાખ લેવા છતાંય વધુ રૂપિયાની માંગણી કરતો હતો.આ ઉપરાંત તે લોકોને રૂપિયા ચૂકવી તેઓની પાસેથી પ્રોમિસરી નોટ અને ચેક લખાવી લેતો હતો. તેની સામે પાસાનું વોરંટ ઇશ્યૂ થયું હતું.
પીસીબી દ્વારા તેની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,રણજીત રાણા ગવર્મેન્ટ પ્રેસના કર્મચારીઓને રૃપિયા આપી વ્યાજ વસૂલતો હતો.તેની સામે રાવપુરામાં બે અને નવાપુરામાં એક ફરિયાદ દાખલ થઇ છે. ત્રણેય ફરિયાદમાં મળીને તેણે કુલ પાંચ લોકોને રૂપિયા આપી વધુ વ્યાજની વસૂલાત કરી હતી.