વડોદરા શહેરમાં વધતા જતા માદક પર્દાથના વ્યાપ ચિંતાનો વિષય બન્યો છે. પોલીસ છાસવારે વિવિધ પ્રકારના માદક પદાર્થના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડી ડ્રગ્સના દુષણને ડામવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બાપોદ પોલીસે વાઘોડિયા રોડ પરથી ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ગાંજાના જથ્થા સાથે ત્રણ મોબાઇલ,બાઇક અને રોકડ રકમ મળી 40 હજારનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મિશન ક્લીન અંતર્ગત નાર્કોટિક્સના ગુના શોધી કાઢવા તથા શહેરને નશામુક્ત કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત બાપોદ પોલીસ સ્ટેશનમાં પો.કો. તરીકે ફરજ બજાવતા વિશાલ નારૂભાઇને બાતમી મળી હતી તે બાતમીના આધારે બાપોદ પોલીસ મથકના પીઆઇ સી.પી.વાઘેલા અને પીએસઆઇ સી.એમ.પારેખ સહિતની ટીમે બાતમી મુજબની જગ્યા પર દરોડો પડી ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો. વિશાલ નારૂભાઇને બાતમી મળી હતી કે વાઘોડિયા ચોકડી ખાતે આવેલ વૈકુઠ – 1 ના ચાર રસ્તાથી તુલસી હાઇટ્સ તરફ જવાનો રોડ પરથી નિખીલ નામના શખ્સ સાથે અન્ય બે શખ્સો ગાંજા નો જથ્થો લઇને પસાર થવાના છે. બાતમીના આધારે પીઆઇ સી પી વાઘેલા અને પીએસઆઇ સી એમ પારેખ સહિતની ટીમે બાતમી મુજબની જગ્યા પર દરોડો પાડ્યો હતો. નીખીલ જેમ્સ (રહે, જલજ ટાવર સનરાઇઝ કોમ્પલેક્ષ વાઘોડિયા રોડ),રાકેશ મનોહર જાગડે (રહે, ચંદ્રપ્રભાનગર વુડાના મકાન મહાદેવ તળાવ પાસે વાઘોડિયા રોડ) અને કૃણાલ પ્રકાશરાવ ચીખલે રહે, ચંદ્રપ્રભાનગર વુડાના મકાન મહાદેવ તળાવ પાસે વાઘોડિયા રોડને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ત્રણ મોબાઇલ રૂ.10000, બાઇક રૂ. 25 હજાર, ગાંજો રૂ 5 હજાર રોકડા 1200 મળી 40 હજારનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.