ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઝાઝપોર ગામના બે સગા ભાઇઓ વચ્ચે ખેતરના શેડા પર લાકડા કાપવાની વાતે ઝઘડો થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝાઝપોરના લક્ષ્મણભાઇ નરોત્તમભાઇ વસાવા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તા.૯ મીએ સવારના અગિયાર વાગ્યાના અરસામાં તેઓ તેમના જુવાર વાવેલ ખેતરે જોવા ગયા હતા. ત્યારે તેમના ખેતરના શેડા પર તેમનો સગો નાનોભાઇ ઠાકોરભાઇ નરોત્તમભાઇ વસાવા તેમની પત્નિ અને પુત્રો સાથે જલાઉ લાકડા કાપતા હતા. લક્ષ્મણભાઇએ તેમને પુછ્યુ હતું કે મારા ખેતરના શેડા પર કેમ લાકડા કાપો છો? ત્યારે ઠાકોરભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો દેવા લાગ્યા હતા. આ ઝઘડા દરમિયાન ઠાકોરે તેના હાથમાંની કુહાડીની મુંદર લક્ષ્મણભાઇને બરડાના ભાગે મારી દેતા અછળતી વાગી ગઇ હતી. આ દરમિયાન ઠાકોરભાઇના પત્નિ પણ ગાળો બોલવા લાગ્યા હતા. અને તેમના બે પુત્રો પણ ઝઘડામાં વચ્ચે પડ્યા હતા અને તેમણે લક્ષ્મણભાઇની પત્નિ અને પુત્રને માર માર્યો હતો. ઉપરાંત આ ચારેય જણા તેમને મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. લક્ષ્મણભાઇને ઇજા થતાં તેમને વાલિયા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. મારામારીની આ ઘટના બાબતે લક્ષ્મણભાઇ નરોત્તમભાઇ વસાવા રહે.ગામ ઝાઝપોર તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ તેમના ભાઇ ઠાકોરભાઇ નરોત્તમભાઇ વસાવા તેમજ વનિતાબેન ઠાકોરભાઇ વસાવા, વિરલભાઇ ઠાકોરભાઇ વસાવા અને મનોજભાઇ ઠાકોરભાઇ વસાવા બધા રહે.ગામ ઝાઝપોર તા.ઝઘડિયાના વિરુધ્ધ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ