સંસ્કારી નગરી વડોદરામાં અરેરાટી વ્યાપી જાય તેવી ઘટના સામે આવી છે. પરિવાર ચાર રસ્તા ખાતે આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં રહેતા મિસ્ત્રી પરિવારના દંપતિ અને સંતાનના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં પત્ની અને પુત્રનો મૃતદેહ જમીન પરથી મળી આવ્યો હતો. જ્યારે ઘરના મોભીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં આવી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ લોકોએ જીવન ટુંકાવતા અન્ય પરિજનો સ્તબ્ધ બન્યા છે.
શહેરના વાઘોડિયા રિંગ રોડ પર દર્શનમ ઉપવન નામની સોસાયટીમાં મિસ્ત્રી પરિવાર રહેતા હતા. પરિવારના મોભી પ્રિતેષ મિસ્ત્રી તેમના પત્ની સ્નેહાબેન તથા તેમના 7 વર્ષના પુત્ર હર્ષિલએ જીવન ટુંકાવ્યું છે. સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, પ્રિતેષભાઇ અને તેમના પરિજનો છેલ્લા કેટલાક દિવસથી આસપાસમાં કોઇને મળતા ન હતા તેમ આસપાસના લોકોએ મીડિયાને જણાવ્યું હતું. ગત રાત્રે ત્રણેય લોકોએ ઘરમાં જ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. હાલ તબક્કે તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. મિસ્ત્રી પરિવારના ત્રણ સભ્યોએ એક સાથે જીવન ટુંકાવી દેતા અન્ય પરિજનો સ્તબ્ધ થયા છે. પ્રિતેષભાઇ મિસ્ત્રીના પરિવારે કયા કારણોસર જીવન ટુંકાવ્યું તે અંગે હાલ કારણ અકબંધ છે. પ્રિતેષભાઇ મિસ્ત્રી શેરબજાર અને ઇલેકટ્રોનીક સંબંધિત કામકાજ કરતા હતા. ઘરમાં હાજર પરિચીત કેતનભાઇ ચુનારાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પ્રિતેષભાઇ પરિવાર સાથે સારૂ જીવન જીવતા હતા. ગત રાત્રે તેમના મમ્મી પર આજે જમવા જવા માટેનો મેસેજ આવ્યો હતો. આજે તેમના મમ્મીએ આવીને જોયું તે પ્રિતેષભાઇએ ગળે ફાંસો ખાધો હતો. આ જોતા તેમણે આજુબાજુમાં જાણ કરી હતી. અંદર જોતા પ્રિતેષભાઇની પત્ની અને તેમના પુત્રનો મૃતદેહ નીચે મળી આવ્યો હતો. પ્રિતેષભાઇના ગળે ફાંસો ખાધેલો જોવા મળ્યો હતો. ખરેખર પ્રીતેસ ભાઈ બંને જણાને મોતને ઘાટ ઉતારીને આત્મહત્યા કરી હોવાની થિયરી પર પોલીસ તપાસ હાથ ધરી રહી છે, વ્યાજખોરોનો ત્રાસ હતો કે કેમ તે પણ તપાસ નો વિષય બની શકે છે.