ભારતે ફરી એકવાર અમેરિકામાં પોતાનો ડંકો વગાડ્યો છે. ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંહે હેરિસ કાઉન્ટીમાં જજ તરીકે શપથ લીધા છે. આ સાથે તે અમેરિકામાં જજ બનનાર પ્રથમ શીખ મહિલા બની ગઈ છે. મનપ્રીત મોનિકા સિંહનો જન્મ અને ઉછેર હ્યુસ્ટન, ટેક્સાસ, યુએસએમાં થયો હતો. હવે તે પતિ અને બે બાળકો સાથે બેલેયરમાં રહે છે. શુક્રવારે, તેમણે ટેક્સાસમાં એલએ નંબર 4 ખાતે હેરિસ કાઉન્ટી સિવિલ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. તેણે કહ્યું કે, તેમના માટે ગર્વનો દિવસ છે. આ જ સમારોહના પ્રમુખ ન્યાયાધીશે કહ્યું કે, તમામ મહિલાઓ માટે પણ આ એક મોટું ઉદાહરણ છે.
20 વર્ષથી વકિલ તરીકે કામ કરી રહ્યા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1970ના દાયકાની શરૂઆતમાં મનપ્રીત મોનિકા સિંહના પિતા ભારતથી અમેરિકા ગયા હતા. મનપ્રીત મોનિકા સિંહ 20 વર્ષથી અમેરિકામાં વકીલ તરીકે કામ કરી રહી છે. મનપ્રીત મોનિકા સિંહે તેના શપથ ગ્રહણ સમારોહમાં કહ્યું, આ મારા માટે ઘણું અર્થપૂર્ણ છે કારણ કે હું હ્યુસ્ટનનું પ્રતિનિધિત્વ કરું છું, તેથી તે અમારા માટે ખૂબ જ ખાસ છે.
‘શીખ સમુદાય માટે મોટી ક્ષણ’
અહેવાલો અનુસાર, શપથ સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો કોર્ટરૂમમાં હાજર હતા. જસ્ટિસ સંદિલે કહ્યું કે, ખરેખર શીખ સમુદાય માટે આ એક મોટી ક્ષણ છે. મનપ્રીત માત્ર શીખોની એમ્બેસેડર નથી, પરંતુ તે તમામ રંગની મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.
અમેરિકામાં શીખોની સંખ્યા લગભગ 5 લાખ છે.
એક અંદાજ મુજબ અમેરિકામાં શીખોની સંખ્યા લગભગ 5 લાખ છે. આમાંથી લગભગ 20 હજાર શીખ હ્યુસ્ટન વિસ્તારમાં રહે છે. હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે કહ્યું કે, માત્ર શીખ સમુદાય માટે જ નહીં, પરંતુ તમામ રંગના લોકો માટે ગૌરવપૂર્ણ દિવસ છે.