ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં નહેરોમાં ગાબડું પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના પગલે નહેરોની આસપાસના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા ખેડૂતોના ઉભા પાકને નુકશાની થઇ રહી હોવાની બાબતો પ્રકાશમાં આવી રહી છે, થોડા દિવસો અગાઉ ભરૂચના ડભાલી નજીક નર્મદા નહેરમાં ગાબડું પડતા ભરૂચ શહેરના માથે જ્યાં એક તરફ જળ સંકટના ભણકારા વાગ્યા હતા તો બીજી તરફ સેંકડો એકર ખેતીમાં નહેરના પાણી પ્રવેશી જતા ખેડૂતોના ઉભા પાકને નુકશાની થઇ હતી.
તે બાબતની શાહી હજુ સુકાઈ નથી તેવામાં હવે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પણ નહેરમાં ગાબડું પડતા અંદાજીત ૨૦૦ એકર જેટલો ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવાની શક્યતાઓ સામે આવી છે. જંબુસર તાલુકાના દહરી ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં અચાનક ગાબડું પડતા કેનાલમાંથી પસાર થતું પાણી આસપાસના ખેતરોમાં પ્રવેશી ગયું હતું, જેને પગલે નજીકમાં રહેક તુવેર, કપાસ, મગ સહિતના ઉભા પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર સામે જાણે કે એક સાંધે અને તેર તૂટે જેવી સ્થિતિનું સર્જન થયું છે, જ્યાં એક બાદ એક નહેર અને કેનાલ તૂટવાની ઘટનાઓ છેલ્લા એક સપ્તાહમાં સામે આવી છે,તો બીજી તરફ સતત બનતી ઘટનાઓથી ખેડૂત સમાજ લાલઘૂમ બન્યો છે, અને નુકશાની અંગે તંત્રમાં ઉચ્ચ કક્ષા સુધી રજુઆત કરી રહ્યા છે અને તાત્કાલીક વળતર નહિ મળે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
હારુન પટેલ : ભરૂચ