નર્મદા નહેરની ડભોઇ અમલેશ્વર શાખા પસાર થતી પસાર થતી નહેરમાં ભરૂચના ડભાલી ગામ પાસે મસ મોટું ગાબડું પડી જતા છેલ્લા કેટલાય દિવસોથી જ્યાં એક તરફ ભરૂચ શહેરના માથે જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ નહેરની આસપાસ આવેલા ત્રણ જેટલા ગામના ખેતરોમાં પાણી પ્રવેશતા સેંકડો એકરમાં પથરાયેલ ખેડૂતોના ઉભા પાકને નુકશાની થઇ છે, જે બાદ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર મળે તે અંગે રજુઆત કરાઈ છે.
ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લાના ડભાલી ગામ પાસે નર્મદા નહેરમાં ગાબડું પડતા ખેડૂત સમાજના અગ્રણીઓએ સ્થળ પર મુલાકાત લીધી હતી જેમાં જાણવા મળ્યું છે કે નહેરમાં ગાબડું પડતા ડભાલી, બબુસર, કવિઠા અને સામલોદ ગામના ખેડૂતોના ખેતરમાં ખૂબ મોટા જથ્થામાં પાણી ભરાઇ ગયેલ છે, તેમજ સેંકડો એકરમાં પોતાનો મહામુલો પાક લણણી કરવાનો સમય હોય એવા સમયે તૈયાર ખેતી નષ્ટ અને નુકશાન પામેલ છે.
ડભાલી પાસે નર્મદા નહેરમાં ગાબડું પડવાથી દિવેલા, તુવર, વાલ, મગ, મઠ, કપાસ જેવા પાકો સંપૂર્ણ પણે નાશ પામેલ છે, જમીનમાં પણ ધોવાણ થયેલ છે, જે બાબતને લઇ સ્થાનિક ખેડૂતો લાલઘૂમ બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓએ સ્થળ મુલાકાત લઇ ખેડૂતોને ધીરજ રાખવા માટેના સૂચનો કર્યા છે, સાથે જ તંત્રના રજુઆત પણ કરી છે.
ખેડૂત સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે નુકશાની પામેલા ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતરની ચૂકવણી કરવામાં આવે અને જો આમ નહિ કરવામાં આવે તો નાસીપાસ બનેલ ખેડૂતો આવરનારા દિવસોમાં કોઇ અજુગતું પગલું ભરે કે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરે તે પહેલાં તંત્ર દ્વારા વળતર ચૂકવણી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.
હારુન પટેલ : ભરુચ