ભાજપના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીનું રવિવારે સવારે 5 વાગ્યે નિધન થયું હતું. તેમણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અંતિમ શ્વાસ લીધા. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે એક અઠવાડિયા પહેલા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું આજે અહીં 88 વર્ષની વયે અવસાન થયું હતું.
યુપીના રાજકારણમાં ધરાવતા હતા મહત્ત્વનું સ્થાન
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ કેશરી નાથનું ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન હતું. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2017માં તેમને બિહારના રાજ્યપાલનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. બિહારમાં JDU ત્રીજા સ્થાને હોવા છતાં, તેમણે અહીં સરકાર બનાવવાની તક આપી હતી.
પીએમ અને સીએમએ શોક વ્યક્ત કર્યો
કેશરીનાથ ત્રિપાઠીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે કેશરીનાથ ત્રિપાઠીનું તેમની સેવા અને બુદ્ધિમત્તા માટે સન્માન કરવામાં આવે છે. બંધારણીય બાબતોના તેઓ સારા જાણકાર હતા. તેમણે ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને રાજ્યના વિકાસ માટે સખત મહેનત કરી હતી. તેમના નિધનથી દુઃખ થયું. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. ઓમ શાંતિ.
દુઃખ વ્યક્ત કરતા સીએમ યોગીએ કહ્યું કે કેશરીનાથ ત્રિપાઠી વરિષ્ઠ અને અનુભવી નેતા હતા. તેઓ સંસદીય નિયમો અને પરંપરાઓના જાણકાર હતા. તેઓ વિદ્વાન વકીલ અને સંવેદનશીલ સાહિત્યકાર પણ હતા. તેમના અવસાનથી સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.