ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારના નવા માલજીપુરા નજીકથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ મોટરસાયકલ પર લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ એલસીબી ભરુચના પીઆઇ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે નવા માલજીપુરા કેનાલ રોડ પર ત્રણ મોટરસાયકલ ચાલકો તેમની મોટરસાયકલો પાછળ પ્લાસ્ટિકના કોથળામાં કંઇક શંકાસ્પદ ભરીને આવતા જણાયા હતા. એલસીબી પોલીસે તેમને ઉભા રહેવાનો ઇશારો કરતા ત્રણેય મોટરસાયકલ ચાલકો પોતાની મોટરસાયકલો મુકીને ભાગી છુટ્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસ કરતા પ્લાસ્ટિકના કોથળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની કુલ ૧૦૫ બોટલો મળી આવી હતી. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ ઉપરથી રૂ.૨૫૮૦૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો તેમજ ત્રણ મોટરસાયકલ મળીને કુલ રુ.૧૮૦૮૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો, અને મોટરસાયકલ મુકીને ભાગી ગયેલ ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી માટે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. તાલુકામાં ઉપરાછાપરી વિદેશી દારુ ઝડપાવાની ઘટનાઓને લઇને દારુના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ