અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાંથી એક ચોંકવનારી આગની ઘટના સામે આવી છે. ગિરધરનગર સર્કલ પાસે આવેલા ગ્રીન આર્કેડમાં બિલ્ડિંગના પાંચમા માળે ભીષણ આગ લાગી છે. આ આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. માહિતી મુજબ આગની આ ઘટનામાં ચાર વ્યક્તિ દાઝ્યા હોવાના સમાચાર છે. જ્યારે એક કિશોરીનું મોત થયું હોવાની માહિતી મળી છે. હાલ આગ લાગ્યાનું સાચુ કારણ અકબંધ છે પરંતુ પ્રાથમિક તપાસમાં આગ ગેસ ગીઝરના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શાહીબાગ ખાતે ગિરધરનગર સર્કલ પાસે આવેલા ગ્રીન આર્કેડ કોમ્પલેક્સમાં આજે સવારે લગભગ સાડા 7 વાગ્યાની આસપાસ આગનો એક બનાવ બન્યો છે, જેમાં કોમ્પલેક્ષના બિલ્ડિંગના પાંચમા માળે એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને કોલ કરીને જાણ કરવામાં આવી હતી. આથી ફાયરબ્રિગેડની 11 જેટલી ગાડીઓ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
શાહીબાગની આ આગની ઘટનામાં 4 લોકો દાઝ્યા હોવાની માહિતી છે, જ્યારે 1 કિશોરી ગંભીર રીતે દાઝી જતાં તેને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પંરતુ ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન કિશોરીનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. જ્યારે અન્ય લોકોની હોસ્પિટલમાં સારવાર હાલ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં ફ્લેટમાં ગેસ ગીઝરના કારણે આગ લાગી હોવાની માહિતી છે. જોકે આગ લાગ્યાનું સાચું કારણ હાલ અકબંધ છે અને આ મામલે અસલ કારણ જાણવા અંગે ઊંડાણપૂર્વક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.