ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં તાવની સાથે શરીર પર ફોલ્લીઓના કારણે 20 દિવસમાં 5 બાળકોના મોત થયા છે. ઉન્નાવના મોહલ્લા દલીગઢીમાં તાવ અને શરીર પર ફોલ્લીઓથી પીડાતા અઢી વર્ષના વધુ એક બાળકનું મૃત્યુ થયું છે, જ્યારે તેના 4 વર્ષના મોટા ભાઈની હાલત ગંભીર છે. બાળકની કાનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉન્નાવના પૂર્વા તાલુકા હેઠળના દલીગઢી મોહલ્લામાં 17 બાળકોમાં તાવ અને શરીર પર ફોલ્લીઓની સમસ્યા જોવા મળી છે. અત્યાર સુધીમાં આ વિચિત્ર તાવ અને શરીર પર ફોલ્લીઓના કારણે બીમાર પડેલા બાળકોની સંખ્યા વધીને 100 થઈ ગઈ છે.
ઉન્નાવ જિલ્લાના પૂર્વાના રહેવાસી અહેમદનો પુત્ર અજબાન 4 વર્ષનો અને બીજો પુત્ર શહાન લગભગ અઢી વર્ષનો છે, જે દલીગઢી મોહલ્લાના રહેવાસી છે. લગભગ 1 અઠવાડિયાથી, બંને તાવ અને ફોલ્લીઓના કારણે બીમાર હતા. બંને બાળકોને પહેલા સીએચસીમાં બતાવવામાં આવ્યા, પરંતુ તબિયતમાં સુધારો ન આવતાં પરિજનોએ તેમને મૌરવાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મોડી રાત્રે બંને બાળકોની તબિયત લથડી હતી અને પરિજનો તેમને બીજી હોસ્પિટલમાં લઈ જાય તે પહેલા જ શહાનનું મોત થયું હતું. શહાનના મોટા ભાઈની ગંભીર હાલત જોઈને સંબંધીઓએ તેને કાનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
ઉન્નાવ આરોગ્ય વિભાગની ટીમ મોહલ્લા દલીગઢી પહોંચી. ટીમે વિસ્તારના ઘણા બાળકોની તપાસ કરી, જેમાં 17 બાળકો બીમાર મળી આવ્યા. જોકે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકોને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આમાં એક બાળકીની ગંભીર હાલત જોઈને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. 7 વર્ષની ઉનાઇજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
100 થી વધુ બાળકોની સારવાર કરી
સીએચસી ડો. તપન ગુપ્તાએ જણાવ્યું હતું કે અહીં મોટી સંખ્યામાં બાળકો ઓરીના લક્ષણોથી બીમાર છે. અમે 100 થી વધુ બાળકોની સારવાર કરી છે. ઘણા બાળકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. કમનસીબે 5 બાળકોએ જીવ ગુમાવ્યા છે.
ટીમ કરી રહી છે સારવાર
ઉન્નાવના ચીફ મેડિકલ ઓફિસર (CMO) સત્ય પ્રકાશે ઓરીના કારણે ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારી ટીમોએ ગામના 60 ટકા બાળકોને રસી આપી છે અને ઓરીથી પીડિત બાળકોની સારવાર કરી રહી છે. જાણવા મળ્યું છે કે રસીકરણ અભિયાન દરમિયાન ડોકટરોને ગ્રામજનોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ડોકટરોએ હસ્તક્ષેપ માટે મૌલવીઓને બોલાવવા પડ્યા હતા અને બાદમાં પૂજા સ્થાનોમાંથી જરૂરી જાહેરાતો કરવામાં આવી હતી.