ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માલીપીપર ગામની સીમમાં એક શેરડીના ખેતરમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડ પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતીકે માલીપીપર ગામની સીમમાં એક શેરડીના ખેતરમાં માલીપીપર ગામના મુકેશ વસાવાએ ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઉતારીને સંતાડી રાખેલ છે. પોલીસ માલીપીપર ગામે પહોંચતા ખેતર માલિક રાકેશભાઇ છોટુભાઈ વસાવા રહે.ગામ જુના માલજીપરાનાએ પોલીસને જણાવ્યું હતું કે તેમના શેરડીના વાવેતરવાળા ખેતરમાં કોઇ ઇસમે વિદેશી દારુનો જથ્થો સંતાડેલ છે. પોલીસે સદર બાતમી મુજબના ખેતરે જઇને તપાસ કરતા ત્યાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારુની રુ.૪૭૩૦૦ ની કિંમતની નાનીમોટી કુલ ૩૭૭ બોટલો કબજે લીધી હતી. પોલીસે આ ગુના અંતર્ગત સ્થળ ઉપર હાજર નહિ મળેલ મુકેશ વસાવા રહે.માલીપીપર, તા.ઝઘડિયા, જિ.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે તાલુકામાં દેશી વિદેશી દારુ સાથે સંકળાયેલા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ