કઠીન ભૌગોલિક સ્થિતિમાં પણ દેશની સરહદોનું અહર્નિશ રક્ષણ કરતા જાબાંઝ સૈનિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલા એક મહિલાએ પોતાની જીવાઇમાંથી રૂ. ૫ લાખનું દાન કરીને પ્રેરણાત્મક કાર્ય કર્યું છે. રૂ. પાંચ લાખનો ચેક તેમણે કલેક્ટર અતુલ ગોરને અર્પણ કર્યો હતો.
અહીં કારેલી બાગ ખાતે રહેતા સુલભાબેન પુરુષોત્તમભાઇ સાને માર્ગ અને મકાન વિભાગના મિકેનિકલ વિભાગમાં નોકરી હતા અને વર્ષ ૨૦૦૬ માં તેઓ રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયા હતા. નિવૃતિ વેળાએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ બચત અને લાભોથી તેઓ પોતે પોતાનો આર્થિક નિર્વાહ સારી રીતે કરી શકવા માટે સક્ષમ હતા. હાલમાં તેઓ ૭૪ વર્ષની આયુએ પહોંચ્યા છે.
ચાર પાંચ દિવસ પહેલા તેઓ રાત્રે સૂતા હતા ત્યારે, તેમને વિચાર આવ્યો કે આપણે તો સારી રીતે નિંદર કરી શકીએ છીએ. સુરક્ષિત રહી શકીએ છીએ. આ સુરક્ષા માટે દેશના સૈનિકોની રાતદિનની મહેનત અને પરિશ્રમ છે. આવા વિચારે સુલભાબેનને સૈનિકોના કલ્યાણ માટે આર્થિક દાન કરવાનો સ્તુત્ય વિચાર આવ્યો અને બીજા દિવસે પરિચિતોમાં પૃચ્છા કરી કે સૈનિકો માટે ક્યાં દાન આપી શકાય છે. કોઇએ તેમને કલેક્ટર કચેરીમાં જવા માટે સૂચન કર્યું હતું. સુલભાબેને કલેક્ટર કચેરીમાંથી જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડને અનુદાન આપવાની સલાહ આપતા તેણીએ તે સ્વીકારી લીધી. તેઓ પોતે અપરિણીત હોવાથી સૈનિકોને પોતાના માનસપુત્રો ગણી આ દાન આપવાનું નક્કી કર્યું હતું.
તેઓ આજે સવારે રૂ. પાંચ લાખનો ચેક લઇને કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને કલેક્ટર અતુલ ગોરને અર્પણ કર્યો હતો. શ્રી ગોરે સુલભાબેનની સૈનિકો પ્રત્યેની સેવાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, દેશની સરહદોનું રખોપું કરતા સૈનિકોના કલ્યાણ માટે સુલભાબેન દ્વારા દર્શાવવામાં આવેલી સંવેદના અન્ય કર્મયોગીઓ માટે પણ પ્રેરણારૂપ છે. આ વેળાએ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી સુરજિતસિંઘ રાઘવ, વેલ્ફેર અધિકારી મનુભાઇ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.