ગત તારીખ ૨૫ મી ના રોજ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ખેતરમાં કપાસ વીણતી મહિલા પર દિપડાએ અચાનક હુમલો કર્યો હતો ત્યારે મહિલા સાથે રહેલા અન્ય વ્યક્તિઓએ દીપડાની ચંગુલમાંથી આ મહિલાને છોડાવી હતી. એવી જ રીતે ગઇકાલે ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે એક ખેતરમાં મજૂરી કામ કરી રહેલ મહિલા રમીલા અમરસિંહ વસાવા પર એક દીપડાએ અચાનક પાછળથી આવી જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ મહિલા પર હુમલો કરતા આસપાસ રહેલા લોકોએ દોડી આવીને આ મહિલાને દીપડાનો શીકાર બનતા બચાવી લીધી હતી. ઇજાગ્રસ્ત મહિલાને પાણેથા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આગળ લઇ જવામાં આવી હતી. આ બનાવમાં મહિલાને જાંગના ભાગે તેમ જ બરડાના ભાગે ઇજાઓ પહોંચી હતી. વેલુગામ, ઇન્દોર, પાણેથા વિસ્તારની સીમમાં માણસો પર દીપડા દ્વારા હુમલા કરવાની ઘટનાઓ બનતા ખેડૂતોમાં ભય ફેલાયો છે. વન વિભાગ તાકીદે દીપડાને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરે એવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ