નાંદોદ તાલુકાના તરોપા ગામે આવેલી અને રાજપીપલા વિભાગ ગ્રામ કેળવણી મંડળ-તરોપા સંચાલિત આર.એન.દીક્ષિત હાઈસ્કૂલના સ્થાપક રાજેન્દ્રસિંહ એન. દીક્ષિત (બાપા) ના શતાબ્દિ મહોત્સવ સાથે હાઈસ્કૂલની સ્થાપનાના ૬૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ષષ્ટીપૂર્તિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનના ત્રિવિધ કાર્યક્રમો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા અને UASમાં સ્થાયી થયેલા અને રાજેન્દ્રસિંહ દીક્ષિતના પુત્ર ઓગષ્ટીન દીક્ષિતની ઉપસ્થિતિમાં શાળાના પટાંગણમાં યોજાયા હતા.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો હંમેશાં અન્ય લોકોનું ભલું થાય તેવી રીતે પરોપકારની ભાવના સાથે આગળ વધતા હોય છે. માણસ જેટલો શિક્ષિત હશે તેટલો જ જીવનમાં પ્રગતિ કરશે. આ સંસ્થાના સ્થાપક એવા દીક્ષિત બાપા શિક્ષણ સાથે ક્રાંતિકારી વિચારો ધરાવનારા હતા. તેમણે સ્થાપેલી સંસ્થા આજે અનેક પરિવારોમાં અજવાળું પાથરી રહી છે. ૬૦ વર્ષ પહેલાં રાજેન્દ્રસિંહ બાપાએ શિક્ષણ સંસ્થા રૂપી વાવેલાં બીજ આજે વટવૃક્ષ બન્યું છે. પ્રત્યેક સમાજના ઝડપી વિકાસ માટે શિક્ષણ અતિ આવશ્યક છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને નાંદોદના પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શ્રી આર.એન.દીક્ષિત હાઈસ્કૂલના આચાર્ય નીલેશભાઈ વસાવાએ શાળા સ્થાપનાથી લઈને ૬૦ વર્ષ પૂર્ણ થવા સુધીની સફરની ઝાંખી કરાવી ઋણ સ્વીકાર કર્યું હતું. જ્યારે શાળાના સ્થાપક રાજેન્દ્રસિંહ દીક્ષિતના પુત્ર અને કાર્યક્રમના મુખ્ય મહેમાન ઓગષ્ટીન દીક્ષિતે પોતાના પિતાના જીવન-કવન ઉપર પ્રકાશ પાડ્યો હતો.
હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં આ શાળામાંથી અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રોમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા. જ્યારે શાળાના પૂર્વ શિક્ષક ભાઈલાલ પરમારે અંગ્રેજી ભાષામાં લખેલા ત્રણ પુસ્તકોનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડપ્રેશર-ડાયાબિટીશ કેમ્પ પણ યોજાયો હતો.
દીપક જગતાપ, રાજપીપલા