દ્વારકા જિલ્લાના ઓખામંડળ સહિત રાજ્યભરના માછીમારોએ મુક્ત બજારમાંથી મળતા ડીઝલ પર સબસિડી ન અપાતા આક્રોશ વ્યક્ત કરી મુક્ત બજારના માન્ય પંપના બિલો સબસિડી માટે માન્ય રહે તેવા પરિપત્રમાં ફેરફાર કરવા માગ કરી છે. ઓખા બંદર પર હાલ લગભગ 1200 જેટલી બોટ બંધ હોવાનું કેટલાક માછીમારોએ જણાવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ, માછીમાર મંડળીના ડીઝલ બિલ જ સબસિડી માટે માન્ય હોવાનું જણાવ્યું છે આથી માછીમારોને મુક્ત બજારના ભાવ કરતાં આશરે પોણા ચાર રૂપિયા લીટર પર વધારે ફરજિયાત ચૂકવી મંડળીમાંથી જ ડીઝલ લેવું પડે છે, જેથી સબસિડીનો પૂરેપૂરો લાભ મળતો નથી.
જો સરકાર સબસિડીવાળા ડીઝલ માટે મુક્ત બજારના સરકાર માન્ય પંપના બિલ માન્ય રાખવાનો સામાન્ય ફેરફાર કરવામાં આવે તો માછીમારોના કરોડો રૂપિયા બચી શકે તેમ છે. આ બાબતે વહેલી તકે નિર્ણય લેવા અને નિવારણ કરવા માછીમારોએ ઉગ્ર માગ કરી છે. જો આ ફેરફાર કરવામાં આવે તો ઓખબંદર પર બંધ લગભગ 1200 બોટો ફરીથી શરૂ થઈ શકે તેમ છે. માછીમારો દ્વારા આ અંગે સરકારને ત્વરિત ધોરણે યોગ્ય નિર્ણય કરવા ભારપૂર્વક માગ કરી છે.