ભરૂચના જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને રજુઆત કરવામાં આવી છે કે સેવાશ્રમ રોડ પર ભરાતા વરસાદી પાણીના પ્રાણ પ્રશ્ન આશરે ૪૦ થી ૫૦ વર્ષનો છે, તેના કાયમી નિકાલ માટે વારંવારની રજુઆતો બાદ ફરીથી નગરપાલિકા, ભરૂચે એક અંદાજપત્ર આશરે રૂ. ૨,૯૫,૩૦,૬૦૦ નું બનાવેલ છે જેનું કામ હાલ ચાલુ થયેલ છે.
પરંતુ આ કામમાં પાઇપ લાઇનના ફિટિંગ કામમાં ખુબ જ નિષ્કાળજી દાખવવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે, તેમજ ખરાબ રીતે તૂટી ગયેલ પાઇપોને પ્રમુખ નગરપાલિકાને મૌખિક રીતે નહિ વાપરવા માટેના સૂચના આપેલી તેમ છતાં પણ નગરપાલિકા તેમજ કન્સલ્ટન્ટના એન્જિનિયર સાઇટ પર હાજર ન રહેતા તે તમામ ખરાબ પાઇપો વાપરી નાંખવામાં આવ્યા છે, તેમજ પાઈટ ફિટિંગ કર્યા બાદ એક કલાકમાં જ તેની ઉપર માટી નાંખી ઢાંકકી દીધેલ છે, જે બાબત ટેક્નિકલી કોઇ પણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી તેમ રજુઆતમાં જણાવ્યું છે.
વધુમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે પાઇપલાઇન નાંખવા માટે તેના સ્લોપને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર આડેધડ પાઇપો ફિટ કરી દીધેલ છે, અને પાઇપો પાંચબત્તીથી સિદ્ધનાથ ડ્રેઇન તરફના સ્લોપથી ફિટિંગ કરવાના બદલે પ્રયોશા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પાસે રિવર્સ સ્લોપમાં પાઇપો ફિટ કરેલ હોવાનું માલુમ પડ્યું છે, ફક્ત ત્રણ પાઇપ એટલે કે ૭,૫ મીટરમાં જ ડેન સ્ટ્રીમનો પાઇપ આશરે ૪” ફૂટ ઊંચો છે, જેથી તેના પછીના પાઇપ ફિટિંગમાં પણ આડેધડ ફિટ કરેલા છે, જેથી પાણી સિદ્ધનાથ ડ્રેઇનના જવાના બદલે રિટર્ન થશે અને આ વર્ષો જુના પ્રાણ પ્રશ્નોનો પ્રોજેકટ ફરી એકવાર નિષ્ફળ જશે તેવી આશંકાઓ જાગૃત નાગરિકો દ્વારા કરાઇ છે.
આ કામ ચાલુ થયાને આશરે એક અઠવાડિયું થવા છતાં પણ નગરપાલિકાના એન્જિનિયર કે કન્સલ્ટન્સીના માણસો એક ક્ષણ માટે પણ હાજર રહ્યા ન હોય તો શા માટે કન્સલન્સીનો ૮% જેટલો ખર્ચ ભરૂચની જનતા ચૂકવે..? જે બાબતે યોગ્ય નિકાલ માટેની રજુઆતો જાગૃત નાગરિકો તરફથી ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીને કરવામાં આવી છે.
હારુન પટેલ : ભરુચ