જિલ્લામાં ૩૧ ડિસેમ્બરે દારૂની રેલમછેલ ન થાય તે માટે તંત્ર દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમરેલીમાં કેરિયાનાગસ રોડ પર દાડમા ગામ પાસેથી દારૂની ખેપ ઝડપાઈ હતી. પોલીસે દારૂની ૨૫૨ બોટલો, મોબાઇલ ફોન તથા કાર મળી કુલ છ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે રહેતા રવિરાજભાઈ ઉર્ફે લાલો જીલુભાઈ વાળા (ઉ.વ.૨૭), અમરેલીમાં રહેતા કુલદીપભાઈ ધાધલ તથા લીલીયામાં રહેતા રણજીતભાઈ નામના શખ્સો કેરિયાનાગસ રોડ પર દાડમા ગામ પાસેથી પસાર થતા હતા.
પોલીસ ચેકિંગને જોઈ કારમાંથી બે લોકો નાસી ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૫૨ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ, કારમાં રહેલો મોબાઇલ અને કાર મળી કુલ ૬,૧૧,૦૨૫ રૂપિયાના મુદ્દામાલ સાથે રવિરાજ વાળાને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય બે ઇસમો ફરાર થઈ ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.બી.લક્કડ વધુ તપાસ કરી રહ્યા છે.
રાજુલાના જુની માંડરડી ગામેથી એક વ્યક્તિના રહેણાંક મકાનેથી ૩૦ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો, આ સિવાય અન્ય પાંચ જગ્યાએથી ૨૨ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૨૬ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. બગસરામાંથી ત્રણ સહિત જિલ્લામાંથી ૧૦ લોકો નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતાં પકડાયા હતા.