ભરૂચ જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો જાણે કે બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ખાસ કરી અંકલેશ્વર પંથકમાં ચોરીઓની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અંકલેશ્વરની નીલકંઠ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી આશરે ચાર લાખની મત્તા ઉપર હાથફેરો કરી લેતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.
અંકલેશ્વરની નીલકંઠ સોસાયટીના મકાન નંબર ૨૮ માં રહેતા સાબેરા પીર મોહમ્મદ પટેલ નાઓ કામ અર્થે પૂના ગયા હતા તે દરમિયાન તેઓનું મકાન બંધ હાલતમાં હોય તસ્કરોએ તકનો લાભ લઇ મકાનનો નકુચો તોડી અંદર પ્રેવશ કરી મકાનમાં રહેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ ઉપર હાથફેરો કરી પ્લાયન થઈ ગયા હતા.
ચોરીની ઘટના બાદ ભરૂચ ખાતે કામ કરતી સાબેરા બેનની દીકરી કામ પરથી પરત તેઓના ઘરે પહોંચતા મકાનમાં ચોરી થઇ હોવાનું તેને માલુમ પડ્યું હતું, જે બાદ ઘટના અંગે પરિવારના અન્ય સભ્યોને જાણ કરતા તેઓએ અંકલેશ્વર ખાતે આવ્યા બાદ મામલા અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે કરતા પોલીસે મામલે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી અજાણ્યા તસ્કરો સામે ચોરી અંગેનો ગુનો દાખલ કરી ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ