ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામના બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં ઝઘડિયા પોલીસ મથકે સામસામે ફરિયાદ લખાવા પામી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયાના કપલસાડીના સફિકભાઇ મયુદ્દિન ચૌહાણે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતીકે તા.૨૬ મીના રોજ અંકલેશ્વર ખાતે એક સંબંધીને ત્યાં રીસેપ્શનમાં ગયા હતા, ત્યારબાદ રાતના સાડા દસ વાગ્યાના અરસામાં તેમની છોકરી સગુપ્તાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ અંકલેશ્વરથી પાછા ઘરે આવતા હતા ત્યારે મુલદ ચોકડી નજીક સરફરાજખાન પઠાણ અને તેની સાથેના બીજા આઠેક જણાએ સફિકભાઇના છોકરી જમાઇને રોક્યા હતા, અને સરફરાજખાને તમાચો મારી દીધો હતો.ઉપરાંત સગુપ્તાએ પહેરેલ સોનાનો હાર તોડી નાંખ્યો હતો. આ વાતની જાણ થતાં સફિકભાઇ મુલદ ચોકડી ખાતે ગયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ અંકલેશ્વર ખાતે રીસેપ્શનમાં સરફરાજખાનનો છોકરો ફરહાદ સફિકભાઇના છોકરી જમાઇને વેરભાવની નજરથી જોતો હતો, જેથી આ બાબતે સરફરાજભાઇને જાણ કરી હતી. આ બાબતની રીશ રાખીને આ લોકોએ સફિકભાઇના છોકરી જમાઇની ગાડી રસ્તામાં રોકી હતી. આ વાતે થયેલ ઝઘડામાં સફિકભાઇને માથામાં પાઇપ મારીને તેમજ શરીરે હોકી અને લાકડાના સપાટા માર્યા હતા. ઉપરાંત તેમના છોકરી જમાઇને પણ માર માર્યો હતો. ઘટના સંદર્ભે ફરીદ ગુલામ મોગલ રહે.માંડવા, આકીબ ફરીદ મોગલ રહે.માંડવા, મોહશીન મહેબુબ રહે.કાશીયા તા.અંકલેશ્વર, સરફરાજખાન બશીરખાન પઠાણ રહે. અંકલેશ્વરના તેમજ બીજા છ જેટલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
જ્યારે બીજી ફરિયાદમાં મુળ ઝઘડિયા તાલુકાના કપલસાડીના વતની અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા સરફરાજખાન બશીરખાન પઠાણે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે અંકલેશ્વર ખાતે સંબંધીને ત્યાં તા.૨૬ મીએ રીસેપ્શનનો કાર્યક્રમ પતાવીને તેઓ પરિવારજનો સાથે ફોરવ્હિલ ગાડીમાં ઘરે જતા હતા ત્યારે રાતના સાડા દસ વાગ્યાના અરસામાં મુલદ ચોકડી નજીક ગામના સફિક મયુદ્દિન ચૌહાણે પોતાની ફોરવ્હિલ ગાડી ઉભી કરી દીધી હતી અને ગાડીમાંથી સફિકભાઇ, તેમનો જમાઇ સેબાઝ તેમજ અસલામખાન પઠાણ રહે.કપલસાડીના નીચે ઉતરીને કહેવા લાગ્યા હતાકે તારો છોકરો અમારી સામે કેમ આંખો કાઢે છે. આ બાબતે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. આ ઝઘડામાં સરફરાજને માથામાં હોકી મારવામાં આવી હતી. તેમજ લાકડાના પાવડાના હાથાથી સપાટા માર્યા હતા. ઇજાગ્રસ્ત સરફરાજખાનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ઘટના બાબતે ઝઘડિયા પોલીસમાં સફિક મયુદ્દિન ચૌહાણ, સેબાજ અઝીઝ પઠાણ તેમજ અસલમખાન ઇકબાલખાન પઠાણ ત્રણેય રહે.ગામ કપલસાડી તા.ઝઘડિયા જી.ભરૂચના વિરુદ્ધ ફરિયાદ લખાવવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ