દક્ષિણ કોરિયામાં નેગલેરિયા ફાઉલેરી એટલે કે ‘બ્રેન-ઇટિંગ અમીબા’ સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (KDCA) એ પુષ્ટિ કરી છે કે થાઈલેન્ડથી પરત ફર્યા બાદ મૃત્યુ પામનાર કોરિયન નાગરિક નેગલેરિયા ફાઉલેરીથી સંક્રમિત હતો. આ એક એવો રોગ છે જે માનવ મગજને નષ્ટ કરી નાખે છે. 50 વર્ષીય વ્યક્તિ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશમાં ચાર મહિના રહ્યા પછી 10 ડિસેમ્બરે કોરિયા પાછો ફર્યો હતો અને બીજા દિવસે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ગયા અઠવાડિયે મંગળવારે તેનું મૃત્યુ થયું હતું.
આ દેશમાં આ બીમારીનો પહેલો કેસ છે, જે પહેલીવાર યુનાઇટેડ સ્ટેટ્સમાં 1937 માં નોંધાયો હતો. નેગલેરિયા ફાઉલેરિયા એ એક અમીબા છે, જે સામાન્ય રીતે વિશ્વભરના ગરમ તાજા પાણીના સરોવરો, નદીઓ, નહેરો અને તળાવોમાં જોવા મળે છે. અમીબા નાક દ્વારા શ્વાસમાં જાય છે અને પછી મગજમાં પ્રવેશ કરી જાય છે.
KDCA એ જણાવ્યું હતું કે નેગલેરિયા ફાઉલેરીના માનવ-થી-માનવમાં ફેલાવાની શક્યતા ઓછી છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓને એવા વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવા જણાવ્યું હતું જ્યાં બીમારી ફેલાઈ ગઈ છે. અમેરિકા, ભારત અને થાઈલેન્ડ સહિત વિશ્વમાં 2018 સુધીમાં નેગલેરિયા ફાઉલેરીના કુલ 381 કેસ નોંધાયા હતા.