રાજ્યની જનતા મોંઘવારીના મારને કારણે પીસાઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં વધારો થવાને કારણે સામાન્ય લોકોની હાલત દયનીય બની છે. આ બધાની વચ્ચે વધુ એક સમાચાર આવ્યા છે જેણે લોકોને મોટો ઝટકો આપ્યો છે. હવે ઘી ના ભાવમાં પણ મોટો વધારો જીકી દેવામાં આવ્યો છે. સાબર ડેરી દ્વારા કરવામાં આવેલા નવા ભાવ ચોંકાવનારા છે. સાબરડેરી દ્વારા અમુલ લુઝ ઘીના ભાવમાં પ્રતિ કિલો દીઠ 23 અને 15 કિલોના ઘી પેકમાં 345 રૂપિયાનો મોટો વધારો જીકી દીધો છે. સાબર ડેરીએ છેલ્લા 11 દિવસની અંદર બીજી વખત આ નિર્ણય કરતા લોકોના ખિસ્સા પર વધૂ એક બોજ નાખવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ભાવમાં વધારો કરવામાં આવતા કિલો ઘીના ભાવ 630 રૂપિયા સુધી પહોંચ્યા છે. તો બીજી તરફ 15 કિલોના ડબ્બાનો ભાવ 9450 સુધી પહોંચ્યો છે. આ ભાવ વધારાને કારણે મોંઘવારીનો માર જનતાને સહન કરવો પડશે. આ વર્ષમાં આઠ વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.15 કિલોમાં 2400 તેમજ એક કિલોમાં 160 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.જેથી લોકોનું બજેટ ભાવ વધારાને કારણે ખોરવાયું છે.
ઘી દૂધના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે સામાન્ય માણસને જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. ઘી-દૂધ લોકોને દરરોજના ઉપયોગની વસ્તુઓ છે. તેમાં સતત ધરખમ ભાવ વધારો કરવામાં આવે તો લોકોને જીવન જીવવું પણ મુશ્કેલ બની જતું હોય છે. જોકે આ ભાવ વધારાને કારણે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સ્થાનિકોને ભાવ વધારો ભોગવવો પડશે. આ ભાવ વધારાને કારણે લોકોને આ શિયાળામાં ઘી ની માંગ વચ્ચે ભાવ વધારો સહન કરવાનો વારો આવશે.