કોરોનાના કેસો અંગે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અન્વયે આજરોજ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જે અંતર્ગત કોવીડ-૧૯ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે ૨૫૦ ઓક્સિજન બેડ લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધાઓ કરવામાં આવી છે તથા ઓક્સિજન પ્લાન્ટને સર્વિસ કરીને કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઓક્સિજન ટેન્ક પૂર્ણ ક્ષમતામાં ભરેલી છે જેના દ્વારા કોઈ દર્દીને ઓક્સિજનની જરૂરિઆત ઉભી થાયે ઓક્સિજન આપી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેની તૈયારીઓ કરવામાં આવી છે. કોરોના અંગેની આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચેલા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સિવીલ હોસ્પીટલ, એન.ડી દેસાઈ હોસ્પીટલ, કિડની હોસ્પિટલ તથા મહાગુજરાત હોસ્પિટલની મુલાકાત લઈ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે રહી યોગ્ય માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ તમામ હોસ્પિટલોમાં કુલ મળીને ૨૦૦૦ બેડ કોરોના માટે તૈયાર કરવામાં આવ્યા છે. પંકજભાઈ દેસાઈ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે. ભીડભાડવાળી જગ્યાએ અવશ્ય માસ્ક પહેરવા તથા જેઓને કોવિડ વેક્સીનેશનનો ત્રીજો ડોઝ બાકી છે તેઓને સત્વરે બુસ્ટર ડોઝ લેવા ધારાસભ્યએ અપીલ કરી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ