2010થી 2022 દરમિયાન શહેરમાં હવાના પ્રદૂષણને લીધે ટીબી, અસ્થમા-દમ, શ્વાસનળીમાં સોજો, ફેફસાંનું કેન્સર સહિતના અનેક રોગથી 50225 લોકો સંક્રમિત થયા હતા જેમાંથી 2064 લોકોના મૃત્યુ થયા છે. RTIમાં મ્યુનિ.એ આપેલી માહિતીમાંથી ચોંકાવનારાં તથ્યો બહાર આવ્યાં છે. જેને કાબુમાં લાવવા માટે તંત્ર નિષ્ફળ નિવડ્યું હોય તેમ જણાયુ છે.
શહેર કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગના કાર્યકારી પ્રમુખ અતિક સૈયદે આરટીઆઈમાં મ્યુનિ. પાસે માગેલી માહિતીમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. અનેક વિસ્તારમાં પ્રદૂષણની માત્રા ખૂબ જ જોખમી છે. તેમણે જણાવ્યુંકે, ધ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ મુજબ ટીબી, અસ્થમા, શ્વાસનળીનો સોજો, ફેફસાંનું કેન્સર જેવા રોગો પ્રદૂષણને કારણે થાય છે. મ્યુનિ પ્રદૂષણ ઘટાડવા માટેની ગ્રાન્ટનો ઉપયોગ સ્વીપર મશીનની ખરીદી, પાર્ક અને ગાર્ડનમાં ગ્રીનિંગ, પેવિંગ જેવી કામગીરી માટે કરતી હોય છે. ટીબીના ચેપથી સૌથી વધુ 1179 લોકો મૃત્યુ પામ્યા.
પ્રદૂષણ ઘટાડવા 260 કરોડમાંથી મ્યુનિ.એ માંડ 31 કરોડ વાપર્યા
પ્રદૂષણ ઘટાડવા મ્યુનિ.ને કેન્દ્ર અને રાજ્ય સરકારે અત્યાર સુધી 260 કરોડની ગ્રાન્ટ આપી છે. પરંતુ તેમાંથી મ્યુનિ.એ 2 વર્ષમાં માત્ર 31.23 કરોડ જ વાપર્યા છે.