લીંબડી શહેરના એ.ડી.જાની રોડ પરની હૉસ્પિટલો કે અન્ય કોઈ દ્વારા રસ્તા ઉપર જ મેડિકલ વેસ્ટ નાખી દેવામાં આવતાં સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. ઈન્જેક્શન, પ્રેગ્નન્સી કિટ, દવાની બોટલો સહિત મેડિકલ વેસ્ટ રસ્તે રઝળતો જોઈ લોકો ગુસ્સે ભરાયાં હતા.
એ.ડી.જાની રોડ ઉપર જે સ્થળ મેડિકલ વેસ્ટ મળી આવ્યો ત્યાં પાલિકા દ્વારા કચરા પેટી રાખવામાં આવે છે. એ.ડી.જાની રોડ નજીક રહેતા રહીશો, ખાણીપીણીનો ધંધો કરતા દુકાનદારો આ કચરા પેટીમાં લીલો-સૂકો કચરો ઠાલવતાં હોય છે. આ કચરા પેટી નજીક મોટાભાગે રખડતા ઢોર જોવા મળે છે. પશુઓ પેટ ભરવાની લાલચે લીલા કચરાની સાથે રસ્તા પર નંખાયેલા મેડિકલ વેસ્ટ ખાઈ જાય તો તેમના આરોગ્ય સામે ખતરો ઊભો થવાની જીવદયા પ્રેમીઓએ ડર વ્યક્ત કર્યો હતો. ભૂતકાળમાં આ રોડ પર આવેલી ગાયનેક ડૉ.દિનેશ પટેલ અને બાળરોગના ડૉ.એ.કે.ઝાની હૉસ્પિટલોને મેડિકલ વેસ્ટ રસ્તા ઉપર નાખવા બાબતે નગરપાલિકા દ્વારા નોટિસ પણ ફટકારી હતી. વારંવાર રસ્તા પર મેડિકલ વેસ્ટ નાખનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે. આ વખતે મળી આવેલું મેડિકલ વેસ્ટ નાંખનાર સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.