દક્ષિણ ભારતમાંથી આજથી ૧૦૦ દિવસ ઉપરાંતના સમય પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં નીકળેલ ભારત જોડો યાત્રા હવે ઉત્તર ભારત સુધી પહોંચી ચુકી છે, કન્યાકુમારીથી શ્રીનગર સુધીની ૩૫૦૦ કિલોમીટર ઉપરાંતની આ યાત્રા દેશના ૫ થી વધુ રાજ્યોમાંથી પસાર થઇ રહી છે, જે દરમિયાન અનેક લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે.
ભારત જોડો યાત્રાએ તેના ૧૦૦ દિવસ રાજસ્થાનમાં પૂર્ણ કર્યા હતા અને હવે યાત્રા હરિયાણામાં પહોંચી ચુકી છે, તે પહેલાં ગતરોજ રાજસ્થાનના અલવર ખાતે ભરૂચ કી બેટી સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ રાહુલ ગાંધીની સાથે કદમથી કદમ મિલાવતા નજરે પડ્યા હતા અને યાત્રામાં જોડાઈ લોકોનું અભિવાદન જીલ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે સક્રિય રાજકારણથી દૂર રહેવાના પ્રયત્નો કરનાર મુમતાઝ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓથી જ કોંગ્રેસમાં એક્ટિવ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, મુમતાઝ પટેલે પ્રથમ વિધાનસભા ચૂંટણીઓમાં અનેક બેઠકો પર સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર કર્યો હતો, તો હવે રાષ્ટ્રીય સ્થળે પણ તેઓની સક્રિય ભૂમિકા જોવા મળી રહી છે. ૨૦૨૪ લોકસભાની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા રાહુલ અને કોંગ્રેસ બંને માટે પક્ષને મજબૂત કરવામાં સંજીવની સમાન યાત્રા માનવામાં આવી રહી છે.
તેવામાં લોકસભા ચૂંટણીઓ પહેલા ભરૂચ કી બેટી ના નામે સ્ટાર પ્રચારકની ભૂમિકામાં નજરે પડી રહેલ મુમતાઝ પટેલ આગામી લોકસભાની ચૂંટણી ભરૂચ બેઠક પરથી લડી શકે છે તેવી ચર્ચાઓ પણ આજકાલ મુમતાઝ પટેલની પાર્ટીમાં સક્રિયતાને જોઈ લોકોમાં જામી છે.
હારુન પટેલ : ભરુચ