રાજપીપલાથી રામગઢને જોડતો પૂલ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત બન્યો છે. ચોથી વખત ક્ષતિગ્રસ્ત થયેલ વચ્ચેથી બેસી ગયેલા આ પિલ્લરનું ફરીથી સમારકામ શરૂ કરાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે વચ્ચેથી બેસી ગયેલા પૂલનું સમારકામ ચાલુ છે ત્યારે ચાલુ સમારકામે રાહદારીઓ,વાહનચાલકોની જોખમી અવરજ્વર ચાલુ છે!
આ પૂલ છેલ્લા બે વર્ષથી ક્ષતિગ્રસ્ત થતાં વારંવાર તેને રીપેર કરવા છતાં તેમાં અનેક ખામીઓ જણાતા તેને ફરી ફરી સમારકામ કરવાની તંત્રને ફરજ પડી રહી છે. હાલ છેલ્લે વચ્ચેથી એક પિલ્લર ફરીથી ક્ષતિગ્રસ્ત થતાં તેને પાયામાંથી નવા ફાઉન્ડેશન સાથે રીપેર કરવામાં આવી રહ્યો છે દરેક સમારકામ વખતે વધતો જતો ખર્ચ સરકારને માથે પડી રહ્યો છે.
અગાઉ આ પૂલના છેડે 20 ફૂટનું ઊંડું ગાબડું પડી ગયેલું તેને પૂરવાની તંત્રને ફરજ પડી હતી. આ પુલમાં એક સ્કૂટર સવાર પડી જતા તેનું મોત નીપજતા એકનો ભોગ પણ લેવાયો છે. આમ આ પુલ જોખમી ઉપરાંત જીવલેણ પણ સાબિત થયો છે છતાં આજદિન સુધી જવાબદાર કોન્ટ્રાકટર કે એજન્સી સામે કેમ પગલાં લેવાયા નથી તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાયો છે.
દીપક જગતાપ, રાજપીપળા